ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા વિજયભાઈ દેવશીભાઈ મુંધવા નામના 23 વર્ષના યુવાન સોમવારે સાંજના સમયે તેમના પિતરાઈ ભાઈ મહેશભાઈ વીરાભાઇ મુંધવા સાથે તેમના જીજે10-ટીવી-7686 નંબરના વાસ્પા રિક્ષામાં અત્રે જામનગર રોડ ઉપર આવેલા મીઠોઈ ગામે તેમના માતાજીના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. ત્યારે સોમવારે સાંજના આશરે ચાર વાગ્યાના સમય તેઓ ખંભાળિયા નજીકના સલાયા માર્ગ પર આવેલા ઓવરબ્રિજ ખાતે પહોંચતા તેમના રીક્ષા આડે જી.જે. 10 બીજી 6727 નંબરની સ્વિફ્ટ મોટરકારમાં સવાર શખ્સોએ કાર આડી નાખી, અને તેમને આંતર્યા હતા.
કારમાં રહેલા જામનગર તાલુકાના નાઘેડી ગામના રહીશ વિપુલ ધનાભાઈ ગમારા, કિશન અરજણભાઈ ગમારા અને ધીરજ ઉકાભાઈ ગમારાએ તેમને રીક્ષાની બહાર કાઢી, ફરિયાદી વિજયભાઈ મુંધવા તેમજ તેમના પિતરાઈ ભાઈ મહેશભાઈને બેફામ માર માર્યો હતો. આ પછી આરોપીઓએ કોઈ બાબતે બોલાચાલી કરી, ફરિયાદી વિજયભાઈ દેવશીભાઈને તેમની સ્વિફ્ટ મોટરકારમાં બળજબરીપૂર્વક લઈ જઈ અને અપહરણ કર્યું હતું. આ વચ્ચે આરોપીઓએ તેમના રિક્ષામાં પણ આડેધડ ધોકા મારી અને નુકસાની પહોંચાડી હતી.
આ પછી આરોપીઓ વિજયભાઈને જામનગર તરફ લઈ ગયા હતા અને માર્ગમાં પણ તેમને આડેધડ માર માર્યો હતો. આરોપીઓએ વિજયભાઈને સરમત ગામથી રાસંગપર વચ્ચે જતા ખુલ્લા મેદાનમાં લઈ જઈ અને આ સ્થળે અહીં અગાઉથી જ રહેલા ત્રણ શખ્સો ભીખા દેવશી ગમારા, રાજુ ઉકા ગમારા અને ખીમજી રાજા ગમારાએ મળી તમામ છ શખ્સોએ વારાફરતી ધોકા અને પ્લાસ્ટિકના પાઇપ વડે તેમજ ઢીકાપટુનો બેફામ માર મારી, ગાળો કાઢી, ઈજાઓ પહોંચાડી હતી.
આ પછી કોઈ બાબતે આરોપીઓએ તેમને ચેતવણી આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી આ સ્થળે તેમને છોડીને નાસી છૂટ્યા હતા. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદને અનુલક્ષીને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના સીધા માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, નાકાબંધી સહિતના પગલા લઈ, સીસીટીવી ફૂટેજ તપાસીને આ પ્રકરણમાં ઉપરોક્ત સ્વિફ્ટ મોટરકારમાં ત્રણ શખ્સો વિપુલ ધમા, કિશન અરજણ અને ધીરજ ઉકા ગમારાને રાજકોટ ખાતેથી દબોચી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ત્રણ શખ્સો ભીખા દેવશી, રાજુ ઉકા અને ખીમજી રાજા ગમારાને નાઘેડી ગામ ખાતેથી ગણતરીના કલાકોમાં ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી. આરોપીઓની અટકાયત બાદ તેઓ દ્વારા કરવામાં આવેલા ગુનાનું ડિટેકશન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કામગીરી પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા સાથે એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, દિનેશભાઈ માડમ, વિશ્વદિપસિંહ જાડેજા, હેમતભાઈ નંદાણીયા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા અને યોગરાજસિંહ ઝાલા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.