Wednesday, July 9, 2025
Homeરાજ્યહાલારહોડી લઈને શિકાર કરવા ગયેલા બે ભાઇઓના ડૂબી જતા મોત

હોડી લઈને શિકાર કરવા ગયેલા બે ભાઇઓના ડૂબી જતા મોત

સલાયાના કાળુભાર ટાપુ નજીક સર્જાઈ કરુણાંતિકા : હોડી પલ્ટી ખાઇ જતાં બન્ને ભાઇઓ પાણીમાં ગરકાવ : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા નાના આંબલા ગામે રહેતા બે સગા ભાઈઓ સોમવારે હોડી લઈને દરિયામાં શિકાર કરવા જતા દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં હોડી પલટી ખાઈ જતા બંને યુવાનોના નિષ્પ્રાણ દેહ મળી આવ્યા હતા.

- Advertisement -

આ કરુણ બનાવની વિગત એવી છે કે, ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા સીમરાજ અલારખાભાઈ દાઉદભાઈ ઘાવડા નામના 24 વર્ષના યુવાન તેમના મોટાભાઈ મામદહુસેન અલારખા ઘાવડા (ઉ.વ.28) સાથે સોમવારે પોતાની સઢવાળી હોડી લઈને સલાયા બંદરથી 4 નોટિકલ માઈલ દૂર આવેલા કાળુભાર ટાપુ નજીક કૂડચલ મારવા માટે ગયા હતા. તે દરમિયાન હોડી સાથે મામદ અને સીમરાજ દરિયાના પાણીમાં ખાબક્યા હતા.

થોડી જ વારમાં આ બંને યુવાનો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા પાણીમાં લાપતા બની ગયેલા આ બંને ભાઈઓની લાંબી શોધખોળ કરવામાં આવી હતી. જેમાં સોમવારે રાત્રે 24 વર્ષીય સીમરાજનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ લાંબી જહેમત પછી ગઈકાલે મંગળવારે સવારે તેમના મોટાભાઈ મામદહુસેન ઘાવડાનો પણ નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.

- Advertisement -

આમ, દરિયામાં શિકાર કરવા ગયેલા બંને ભાઈઓના એક સાથે જ ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યાના આ બનાવે મૃતકના પરિવારજનો સાથે નાના એવા આંબલા ગામમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે. આ બનાવ અંગેની જાણ કારાભાઈ ભીખુભાઈ ઘાવડા (ઉ.વ. 50) એ સલાયા મરીન પોલીસને કરી છે. એ અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular