જામનગરમાં ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર તેમજ કૃષિ ઉપયોગી સામગ્રી મળી રહે તે માટે જામનગર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ સતત કાર્યરત છે. હાલ ખેડૂતો માટે જરૂરી ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સંઘના મેનેજર પ્રભુલાલ મણવરે જણાવ્યું છે.
‘ખબર ગુજરાત’ સાથેની ખાસ મુલાકાત દરમિયાન પ્રભુલાલ મણવરે જણાવ્યું હતું કે જામનગર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને કામગીરી કરી રહ્યો છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને અન્ય કૃષિ સામગ્રી વ્યાજબી દરે અને યોગ્ય સમયે મળી રહે તે માટે સંઘ દ્વારા સતત આયોજન કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને ખાતરનો પૂરતો જથ્થો અગાઉથી જ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. હાલ સંઘ પાસે વિવિધ પ્રકારના ખાતરોનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ખેડૂતોની માંગ મુજબ તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
મુલાકાત દરમિયાન સહકારી ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, ખેડૂતોની જરૂરિયાતો, ખાતરની ઉપલબ્ધતા તેમજ આગામી આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોના સર્વાંગી વિકાસ અને કૃષિ ક્ષેત્રની પ્રગતિ માટે જામનગર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ પ્રતિબદ્ધ હોવાનો દાવો મેનેજર પ્રભુલાલ મણવરે કર્યો છે.


