ભગવાન વિષ્ણુના એક અવતાર ભગવાન જગન્નાથજીની અષાઢ સુદ બીજના પાવન પર્વે ભારતભરના જગન્નાથ મંદિરોમાંથી ભવ્ય રથયાત્રા નીકળે છે. જે ખાસ કરીને સુપ્રસિઘ્ધ જગન્નાથપુરી એટલે કે ચાર ધામ પૈકીના એક ધામની ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રામાં ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકો ઉમટે છે. આ રથયાત્રાના દર્શન કરી ધન્ય બની જાય છે.
અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજને શ્રેષ્ઠતમ્ મુહૂર્ત માનવામાં આવે છે. લાભદાયી, શુભ કાર્યો, મિલકત ખરીદી વગેરે અષાઢી બીજ શુભ મુહૂર્ત છે. આ સાથે અષાઢી બીજના પવિત્ર દિવસે કચ્છી નવુ વર્ષ પણ ગણાય છે. આ તમામનથી વિશેષ એટલે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા. એકતરફ સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને બીજીતરફ કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે લોકો ઉજવે છે. જે અદ્ભૂત સંગમ ગણી શકાય. એકતરફ ભગવાન જગન્નાથજીની અભૂતપૂર્વ રથયાત્રાના દર્શનનો લોકો લાભ લે અને બીજીતરફ કચ્છ જેવા છેવાડાના પ્રદેશમાં નૂતન વર્ષની ઉજવણી થશે.
સમગ્ર વર્ષ દરમ્યાન ભક્તો ભગવાનના દર્શન કરવા મંદિરે જતા હોય છે. પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. ભગવાન જગન્નાથ, સુભદ્રા, બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરોમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે. પરંતુ વર્ષમાં એકવખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓ ભવ્ય રથમાં રથયાત્રાએ નિકળે છે. જેને ભાવિક ભકતો ખેંચી ધન્યતા અનુભવે છે. એક આખો દિવસ પ્રભુ ભક્તોની સાથે રહે છે. ઓરિસ્સા પ્રદેશના ભૂવનેશ્ર્વર પાસે ચારધામ પૈકીના એક એવા જગન્નાથપુરી છે. એવી પણ લોકમાન્યતા છે કે, જગન્નાથપુરીની યાત્રા કર્યા સિવાય બધા તીર્થની યાત્રા અધૂરી ગણાય છે. ત્યારે અહીંની રથયાત્રાનો લાભ લેવા ભક્તો અધીરા હોય છે.
જગન્નાથપુરીની રથયાત્રા ઉપરાંત ગુજરાતની સૌથી મોટી અને પ્રખ્યાત અમદાવાદની રથયાત્રા પણ ખૂબ પ્રસિઘ્ધ છે. આ અમદાવાદની રથયાત્રાના દર્શન માટે ગુજરાતભરમાંથી લાખ્ખોની સંખ્યામાં ભક્તો પધારે છે. રથયાત્રા ગજરાજો, શણગારેલી ટ્રકો, ભજનમંડળી, સાધુ-સંતો અને ભક્તોથી શોભી રહે છે. અષાઢ સુદ બીની રથયાત્રાની જેઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથની જલયાત્રા યોજાય છે. નદીનું પવિત્ર પાણી ઘડાઓમાં ભરી જલયાત્રા નિજ મંદિરમાં પરત ફરે છે. ભગવાન જગન્નાથનો જલાભિષેક થાય છે. તે પછી ભગવાનને તેમના મોસાળે મોકલાય છે. રથયાત્રાના બે દિવસ પૂર્વે નેત્રોત્સવ વિધિ યોજાય છે. પરંપરા અનુસાર મોસાળમાંથી ઘરે આવેલ ત્રણેય ભાઇ-બહેનને આંખ આવતા તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. રથયાત્રાના દિવસે સવારે 4.00 વાગ્યે મંગળા આરતી થાય છે. ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થાય છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે આજે કચ્છી નવું વર્ષ પણ છે. કચ્છીઓ ઉજવે છે અષાઢી બીજે નવું વર્ષ… દેશના ખૂણે ખૂણે પથરાયેલા કચ્છીઓ માટે આ દિવસ ખૂબ મીઠો છે. આજે કચ્છીઓ એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરે છે. આજે કચ્છી હાલારી નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. કચ્છીઓ આજે અષાઢી બીજના પર્વ પર આ તહેવાર ઉજવી માતૃભૂમિ કચ્છને વંદન કરે છે.