દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેક દિવસના મેઘ વિરામ બાદ છેલ્લા બે દિવસથી સર્જાયેલા અસહ્ય બફારાભર્યા વાતાવરણ વચ્ચે ગઈકાલે ગુરુવારે સવારથી મેઘાડંબર છવાયો હતો. ત્યારે ગુરુવારે બપોરથી જિલ્લામાં ધીમીધારે શરૂ થયેલો વરસાદ કલ્યાણપુરમાં ધોધમાર વરસ્યો હતો. બપોરે આશરે એકાદ વાગ્યાથી અવિરત રીતે વરસી ગયેલા વરસાદથી કલ્યાણપુર તાલુકામાં ગત સાંજ સુધીમાં સાડા ત્રણ ઈંચ (81 મી.મી.) પાણી પડી ગયું હતું.
ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો એવા દેવળિયા, રાજપરા, ચુર, પટેલકા, દુધિયા, સહિતના ગામમાં ખેતરો પાણીથી તરબોળ બની ગયા હતા. ધોધમાર વરસાદના પગલે માર્ગ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે ગુરુવારે ધોધમાર ચાર ઈંચ જેટલો વરસાદ વરસી જતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
દ્વારકા પંથકમાં પણ મેઘરાજાએ ગત સાંજે ધોધમાર એક ઈંચ (22 મી.મી.) તથા ભાણવડ તાલુકામાં પણ બપોરે 2 થી 4 દરમિયાન 14 મીલીમીટર પાણી વરસાવી દીધું હતું. આ ઉપરાંત ખંભાળિયા પંથકમાં પણ દિવસ દરમિયાન અવિરત રીતે હળવા ઝાપટાનો દૌર જારી રહેતા સાંજ સુધીમાં 9 મી.મી. પાણી પડી ગયું હતું. ખંભાળિયા તાલુકાના બજાણા, ચોખંડા, ફોટ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ હોવાથી ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા.
આ પછી ગઈકાલે સાંજથી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વધુ વરસાદ વરસવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. આ સાર્વત્રિક અને મુશળધાર વરસાદના પગલે લોકોને અસહ્ય ગરમી તથા બફારાથી રાહત મળી હતી અને વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી બાદ આ કાચા સોના જેવા વરસાદથી ધરતીપુત્રો ખુશાલ બન્યા છે. આ સાથે મોસમનો કુલ વરસાદ કલ્યાણપુરમાં સવા 8 ઈંચ (207 મી.મી.), દ્વારકામાં 5 ઈંચ (207 મી.મી.), ભાણવડમાં 4 ઈંચ (95 મી.મી.), અને ખંભાળિયામાં 4 ઈંચ (94 મી.મી.) સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 6 ઈંચ (129 મી.મી.) નોંધાયો છે.