ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને જીવદયા પ્રેમી સ્વ. વિજયભાઇ રૂપાણી તેમજ તેમની સાથે વિમાન દુર્ઘટનામાં અકાળે અવસાન પામેલા અન્ય તમામ દિવંગત આત્માઓની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે આજે તા. 12 જૂનના રોજ જામનગર ખાતે વિવિધ જૈન સંગઠનો અને સંસ્થાઓ દ્વારા માનવસેવા અને જીવદયાના અનેકવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેવાયજ્ઞમાં સવારે દશા શ્રીમાળી વણિક મંડળ (કામદાર વાડી) જામનગર દ્વારા સવારે આણદાબાવા અનાથાલય ખાતે બાળકોને પૌષ્ટિક નાસ્તો, દેવબાગ જૈન સંઘ દ્વારા જામનગર પાંજરાપોળમાં રહેલા અબોલ જીવનોે લાડવા તેમજ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળની ઋતુને ધ્યાનમાં રાખીને શાંતિનાથ આરાધક મંડળ દ્વારા લાલ બંગલા પોપટ ધારશી દેરાસર પાસે છાસ વિતરણ, ચાંપા બેરાજા મિત્રમંડળ તેમજ જૈન અગ્રણી આર. કે. શાહના સહયોગથી ચાંપા બેરાજાની પાંજરાપોળ અને લાખાબાવળ ખાતે આવેલી પાંજરાપોળ એમ બે સ્થળોએ પશુ માટે ઘાસ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાષ્ટ્રિય સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ‘પારસધામ જામનગર’ દ્વારા ધુંવાવસ્થિત સતવારા સમાજની વાડી ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના નિષ્ણાત ડોકટરો દ્વારા 450 થી વધુ જરૂરિયાતવાળા બાળકોના દાંતનું નિ:શૂલ્ક ચેકઅપ કરી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોને સ્ટેશનરી, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ વગેરે કીટ વિતરણ કરી અહમ આહાર આપવામાં આવ્યો હતો. તો હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજે ૐ ટ્રેનિંગ સેન્ટરમાં મનોદિવ્યાંગ બાળકોને મિષ્ટાન્ન સાથે ભોજન કરાવી આશીર્વાદ મેળવ્યા હતાં.
આ તકે પ્રકાશભાઇ દોશી (પ્રમુખ, દશા શ્રીમાળી વણિક મંડળ), રાજુભાઇ આર. શાહ (પ્રમુખ, હાલાર સ્થાનકવાસી જૈન સમાજ તથા વીશા શ્રીમાળી ગામડાંવાળા સમાજ), ભરતભાઇ વસા (પ્રમુખ, વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ), નિલેશભાઇ શાહ (ભભલ), (પ્રમુખ, દેવબાગ જૈન સંઘ), કિરીટભાઇ પી. મહેતા (પ્રમુખ, જૈન શક્તિ ગૃપ), નિલેશભાઇ કગથરા (પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન), વિજયભાઇ સંઘવી (ઉપપ્રમુખ, સમસ્ત જૈન સમાજ), અજય આર. શેઠ (પ્રમુખ, જૈન એમ્પલોઈઝ ફેડરેશન, જોઇન્ટ સેક્રેટરી, સમસ્ત જૈન સમાજ), ભરતભાઇ વી. પટેલ, જસ્મિન કામદાર, નિલેશભાઇ ઉદાણી, જીજ્ઞેશભાઇ શાહ (પ્રમુખ, બીજેએસ), સંજયભાઇ ટોલિયા, જતિન મહેતા (પૂર્વ કોર્પોરેટર), રાજુભાઇ કામદાર, સંજીવ શેઠ, પુનિત શેઠ, શામળશા ઉદાણી, પ્રેમ શેઠ, નિશાંત પારેખ, શ્રેયાંશ શાહ, ચેતુભાઇ શાહ સહિતના જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જામનગર જૈન સમાજની જુદી જુદી સંસ્થાઓએ સાથે મળીને દિવંગત આત્માઓની પૂણ્યતિથિએ માનવતા અને જીવદયાનું ઉદાહરણ પૂરૂં પાડયું હતું.


