કેન્દ્ર સરકારના 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જામનગર શહેરના દિગ્જમ સર્કલ નજીક આવેલી શાળા નંબર-31ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
શાળાની મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. તેમણે બાળકોના અભ્યાસ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ભવિષ્યના સપનાઓ અંગે માહિતી મેળવી હતી. ખાસ કરીને તેઓ વિદ્યાર્થીઓની વચ્ચે તેમની જ બેન્ચ પર બેસી ગયા હતા અને બાળકો સાથે સવાલ-જવાબ કરી તેમને નિર્ભયતાથી પોતાના વિચારો વ્યક્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
View this post on Instagram
રાજ્યમંત્રીની સરળતા અને આત્મીયતાથી નાના ભૂલકાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક શિક્ષણમંત્રી સાથે વાતચીત કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. શિક્ષણમંત્રી દ્વારા વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, નિયમિત શાળાએ આવવા અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરી તેને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપવામાં આવી હતી.
આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસક પક્ષના નેતા અમર મોદી, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ સહિત અનેક આગેવાનો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસોની પણ ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને આગેવાનોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.


