જામનગર શહેર-જિલ્લામાં ગઇકાલે સોમવારે પણ અવિરત મેઘસવારી જોવા મળી હતી. જામનગરના વિવિધ તાલુકાઓમાં દોઢથી સવા ત્રણ ઇંચ સુધી પાણી વરસી ગયું હતું તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધાથી ચાર ઇંચ સુધી વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતાં. કાલાવડ તાલુકામાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના પરિણામે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો બીજી તરફ ખેડૂતોમાં પણ વરસાદથી ખુશીનો માહોલ છવાયો હતો. જામનગર શહેરમાં સમયાંતરે વરસાદી ઝાપટાથી દોઢ ઇંચ જેટલું પાણી વરસતા અનેક વિસ્તારમાં માર્ગો પર પાણીના ખાબોચીયા ભરાયેલા જોવા મળ્યા હતાં. દ્વારકા જિલ્લામાં પણ અવિરત મેઘમહેર જોવા મળી હતી. દ્વારકા તથા ખંભાળિયામાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
જામનગર શહેર જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. ગઇકાલે સોમવારે જામનગરના તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો. ગઇકાલે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક સુધીમાં કાલાવડ તાલુકામાં સવા ત્રણ ઇંચ (81 મી.મી.), લાલપુર તાલુકામાં પોણા બે ઇંચ (44 મી.મી.), જોડિયા તાલુકામાં બે ઇંચ (પપ મી.મી.), જામનગર તથા જામજોધપુર તાલુકામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. કાલાવડમાં માત્ર બે કલાકમાં સવા ત્રણ ઇંચ જેટલુ પાણી વરસી જતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જામનગર શહેરમાં પણ સવારથી છવાયેલા વરસાદી વાતાવરણ વચ્ચે સમયાંતરે વરસાદી ઝાપટાથી દોઢ ઇંચ જેટલુ પાણી વરસી ગયું હતું. જેના પરિણામે માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. તેમજ ખાબોચીયા ભરાયેલા પણ જોવા મળ્યા હતાં.
જામનગર જિલ્લાના તાલુકાઓમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ જામનગર તાલુકામાં 171 મી.મી. (7 ઇંચ), જોડિયા તાલુકામાં 435 મી.મી. (17 ઇંચ), ધ્રોલ તાલુકામાં 179 મી.મી. (7 ઇંચ), કાલાવડ તાલુકામાં 275 મી.મી. (9 ઇંચ), લાલપુર તાલુકામાં 151 મી.મી. (6 ઇંચ), જામજોધપુર તાલુકામાં 257 મી.મી. (10 ઇંચ) વરસાદ વરસી ચુકયો છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સચરાચર મેઘ મહેર જોવા મળી હતી. જામનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઇકાલે મેઘરાજાનો મુકામ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો જામનગર તાલુકાના વસઇમાં પોણા બે ઇંચ, લાખાબાવળમાં એક ઇંચ, ફલ્લામાં દોઢ ઇંચ, મોટી બાણુંગરમાં દોઢ ઇંચ, જામવંથલીમાં સવા ઇંચ, મોટી ભલસાણમાં અઢી ઇંચ, અલીયાબાડામાં દોઢ ઇંચ, દરેડમાં દોઢ ઇંચ, જોડિયા તાલુકાના હડિયાણામાં દોઢ ઇંચ, બાલંભા તથા પીઠડમાં બે-બે ઇંચ, ધ્રોલ તાલુકાના લતીપરમાં દોઢ ઇંચ, જાલીયા દેવાણી તથા લૈયારામાં અડધો-અડધો ઇંચ, કાલાવડ તાલુકાના નિકાવામાં એક ઇંચ, ખરેડીમાં પોણા બે ઇંચ, મોટા વડાળામાં બે ઇંચ, ભલસાણ બેરાજામાં 4 ઇંચ, નવાગામમાં સવા ઇંચ, મોટા પાંચ દેવડામાં દોઢ ઇંચ, જામજોધપુર તાલુકાના સમાણામાં પોણા બે ઇંચ, શેઠવડાળામાં દોઢ ઇંચ, જામવાડીમાં બે ઇંચ, વાસજાળીયામાં સવા ત્રણ ઇંચ, ધુનડામાં એક ઇંચ, ધ્રાફામાં એક ઇંચ, પરડવામાં ત્રણ ઇંચ, લાલપુર તાલુકાના પીપરટોડામાં અઢી ઇંચ, પડાણામાં દોઢ ઇંચ, ભણગોરમાં અડધો ઇંચ, મોટા ખડબામાં સવા બે ઇંચ, મોડપરમાં પોણો ઇંચ તથા હરીપરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે પણ આખો દિવસ જુદા જુદા વિસ્તારોમાં અવિરત રીતે વરસાદના હળવા તથા ભારે ઝાપટાનો દૌર જારી રહ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ દ્વારકા તાલુકામાં 54 મી.મી., ખંભાળિયા તાલુકામાં 46 મી.મી., ભાણવડ તાલુકામાં 45 મી.મી. અને કલ્યાણપુર તાલુકામાં 16 મી.મી. પાણી વરસી જવા પામ્યું છે.
આ સચરાચર વરસાદથી નદી-નાળા તેમજ ચેકડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક થવા પામી છે. સાર્વત્રિક વરસાદના પગલે વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું. આજે સવારથી જુદા જુદા ભાગોમાં સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા અને જનજીવન રાબેતા મુજબ ચાલ્યું હતું
આજે સવારે 8 વાગ્યા સુધીમાં સુધીમાં કલ્યાણપુર તાલુકામાં કુલ સાડા 13 ઈંચ (339 મી.મી.), દ્વારકામાં સવા 10 ઈંચ (254 મી.મી.), ખંભાળિયામાં 8 ઈંચ (199 મી.મી.) અને ભાણવડમાં સાડા 7 ઈંચ (186 મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 19 ઈંચ જેટલો (245 મી.મી.) નોંધાઈ ચૂક્યો છે.