જામજોધપુર પંથકમાં રહેતી યુવતીને તેણીના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા અવારનવાર શારીરિક, માનસિક ત્રાસ આપી મરી જવા મજબૂર કર્યાના બનાવમાં અદાલતે મૃતકના પતિને પાંચ વર્ષની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં રહેતાં પ્રવીણ મંગાભાઇ બેડવા નામના યુવાનના લગ્ન કિરીટભાઇ ભરાડિયાની પુત્રી રૂપાબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન પતિ પ્રવીણ અને સાસુ, સસરા સહિતનાઓ દ્વારા રૂપાબેનને અવારનવાર શારીરિક, માનસિક ત્રાસ આપી, “તારા મા-બાપ પાસેથી પૈસા લઇ આવ.” તે બાબતે હેરાન પરેશાન કરતાં હતા. અવારનવાર પતિ સહિતના સાસરિયાઓના ત્રાસ અને મારકૂટથી કંટાળીને યુવતીને તેણીના પતિએ કાઢી મૂકી હતી. ત્યારબાદ સમાધાન કરી પરત લઇ ગયો હતો. દરમ્યાન 2018માં તા. 20મી મેના રોજ સવારના સમયે કિરીટભાઇના જમાઇ ગિરધરભાઇમાં રૂપાના સાસરેથી ફોન આવ્યો હતો. જેમાં, “રૂપા મારા કહ્યાંમાં નથી. તમે લઇ જાવ. મારે તમારી દીકરી જોઇતી નથી. કાં તો રૂપા મરી જશે અથવા હું તેને મારી નાખીશ.” તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
ત્યારબાદ રૂપાના પિતા સહિતના પરિવારજનો તેની પુત્રીને લેવા માટે માંડાસણ જવા નીકળ્યા હતા. ઉપલેટા પહોંચવા આવ્યા ત્યારે માંડાસણના ભાણાભાઇનો ગિરધરભાઇમાં ફોન આવ્યો. તેણે કહ્યું કે, “તમારી દીકરી સળગી ગઇ છે. તમે તાત્કાલિક આવો.” ત્યારબાદ રૂપાના પિતા સહિતના પરિવારજનો માંડસાણ દીકરીના ઘરે પહોંચ્યા ત્યારે રૂપા દરવાજા પાસે સળગી ગયેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ કિરીટભાઇએ તેના જમાઇ પ્રવીણ તથા દીકરીના સસરા મંગાભાઇ રૂડાભાઇ, સાસુ ઉંજીબેન મંગાભાઇ નામના ત્રણ સાસરિયાઓ વિરૂઘ્ધ પુત્રીને મરી જવા મજબુર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ભારતીબેન વાદી દ્વારા 14 જેટલા સાહેદો અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ભારતીબેનની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી રૂપાબેનના પતિ પ્રવીણભાઇ મંગાભાઇ બેડવાને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સાદી કેદ અને રૂા. 5 હજારનો દંડ ફટકારવાનો આદેશ કર્યો હતો.