જામનગર શહેરમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે પ્રિ-મોન્સૂન કામગીરી સમયસર અને અસરકારક રીતે પૂર્ણ થાય તે જરૂરી બન્યું છે. આ મુદ્દે વોર્ડ નં. 12 ના કોર્પોરેટર સહારાબેન મકવાણાએ જામનગર મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીનું અસરકારક મોનિટરિંગ કરવા તેમજ વોર્ડ નં. 12 માં આવેલા મહત્વપૂર્ણ કોઝવે વિસ્તારની તાત્કાલિક સફાઈ કરાવવા માંગણી કરી છે.
સહારાબેન મકવાણાએ રજૂઆતમાં જણાવ્યું છે કે જૂન માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ચોમાસું હવે ખૂબ નજીક છે. દર વર્ષે ભારે વરસાદ દરમિયાન શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થાય છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહારને અસર પહોંચે છે અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે ચોમાસા પૂર્વે જ ડ્રેનેજ લાઈનો, વરસાદી પાણીના નિકાલના માર્ગો, નાળા અને ગટરલાઈનોની યોગ્ય સફાઈ તેમજ જાળવણી કરવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે હાલ વોર્ડ નં. 12 ને જોડતા કાલાવડ નાકા પાસેના પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને ત્યાં ડાયવર્ઝન વ્યવસ્થા અમલમાં છે. જો ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે તો આ ડાયવર્ઝન વ્યવસ્થા પર પણ અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં મહારાજા સોસાયટીથી અન્નપૂર્ણા ચોકડી તરફ નદીના પટ પાસે આવેલ કોઝવે માર્ગ આ વિસ્તાર માટે મહત્વનો વૈકલ્પિક માર્ગ બની શકે છે.
પરંતુ હાલમાં કોઝવેની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો, ગંદકી, ઝાંખરા અને અન્ય અવરોધો જમા થયેલા હોવાનું ધ્યાન પર આવ્યું છે. જેના કારણે વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થવાની શક્યતા રહેલી છે. જો સમયસર સફાઈ કરવામાં આવે તો વરસાદી પાણીનો પ્રવાહ સરળતાથી કોઝવેની નીચેથી પસાર થઈ શકશે અને કોઝવેને નુકસાન થવાની સંભાવના પણ ઘટશે.
સહારાબેન મકવાણાએ જણાવ્યું છે કે આ માર્ગનો ઉપયોગ દરરોજ હજારો લોકો દ્વારા કરવામાં આવે છે. ચોમાસા દરમિયાન આ માર્ગ બંધ થઈ જાય તો આસપાસના વિસ્તારોના રહેવાસીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી લોકહિતને ધ્યાનમાં રાખીને કોઝવે વિસ્તારની સફાઈને પ્રાથમિકતા આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
તેમણે મહાનગરપાલિકાના કમિશનરને સમગ્ર શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીની નિયમિત સમીક્ષા કરવા, સંવેદનશીલ અને નિચાણવાળા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવા તેમજ વોર્ડ નં. 12 ના કોઝવે વિસ્તારની સફાઈ અને જાળવણીની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માંગણી કરી છે, જેથી ચોમાસા દરમિયાન નાગરિકોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુચારૂ રીતે કાર્યરત રહી શકે.


