જામનગર શહેરના પટેલકોલોની શેરી નંબર-6 માં રહેતાં મેકેનીકલ એન્જીનિયર યુવાને તેની જૂની પ્રેમિકા સાથે વાત કરવી ન હોય અને પ્રેમિકા ફોન કરતી હોય જેથી ચિંતામાં યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, આંધ્રપ્રદેશના વિશાખાટ્ટનમના પેન્ડુર્થી સુજાતાનગરનો વતની અને હાલ જામનગર શહેરના પટેલકોલોની શેરી નંબર-6 માં રાધે કૃષ્ણ મંદિર પાસે આવેલા ગેલેકસી એપાર્ટમેન્ટના 102 નંબરમાં રહેતાં પવનકુમાર શ્રીહરી ગુડુપલ્લી (ઉ.વ.26) નામના મેકેનીકલ એન્જીનિયર યુવાન સાથે જૂની પ્રેમિકા રોઝા વાત કરવી હોવાથી અવાર-નવાર ફોન કરતી હતી. પરંતુ, યુવાનને રોઝા સાથે વાત કરવી ન હોય જેથી ચિંતામાં રહેતો હતો. રોઝા ફોન કરતી હતી પરંતુ પવનકુમાર ફોન રીસીવ કરતો ન હતો. દરમિયાન ગુરૂવારે મધ્યરાત્રિના સમયે તેના ઘરે રૂમમાં પંખા સાથે ચૂંદડી વડે ગળેટૂંપો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની લિખીતાબેન દ્વારા જાણ કરાતા હેકો જે.કે.વજગોર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


