લાલપુર ગામમાં ધરારનગર નવા બનેલા પુલ પાસે ભાવિ ભરથારે યુવતી ઉપર ખોટી શંકાઓ અને અફવા ફેલાવતા અટકાવવા સમજાવવા ગયેલા યુવતીના ભાઈ ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે પિતા-પુત્ર સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, લાલપુર ગામમાં નાંદુરી રોડ પર આવેલી દ્વારકેશ સોસાયટીમાં રહેતાં ખેડૂત ગોવિંદભાઈ ગગજીભાઈ ભાદરકાની દિકરીનું સગપણ કેવલ ગોગન કરંગીયા સાથે થયું હતું અને આ સગાઈ બાદ કેવલ તેની વાગ્દતા ઉપર ખોટી શંકાઓ કરી અને ખોટી અફવાઓ ફેલાવી યુવતીને માનસિક ત્રાસ આપતો હતો. જેથી યુવતીના પિતા ગોવિંદભાઈ તથા તેનો પુત્ર કેવલ ને સમજાવવા ગયા હતાં. ત્યારે કેવલ ગોગન કરંગીયા, તેના પિતા ગોગન જેતા કરંગીયા, પ્રવિણ જેતા કરંગીયા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી યુવક ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો અને યુવક ઉપર શરીરે આડેધડ લોખંડના પાઈપ વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી.
સગાઈ થયા બાદ યુવતી વિશે ખોટી શંકાઓ અને અફવાઓ ફેલાવી ત્રાસ આપતા ભાવિ જમાઈને સમજાવવા ગયેલા સાળા ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલાના બનાવ અંગે યુવકના પિતા ગોવિંદભાઈ દ્વારા પોલીસમાં જાણ કરાતા પીઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે પિતા-પુત્ર સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


