તમે ક્યારેય વિચાર્યું છે કે પિઝાનો પહેલો બાઇટ લેતાં જ કે ચિપ્સનું પેકેટ ખોલતાં જ “બસ એક જ ખાઉં” વિચાર્યા પછી પણ આખું પેકેટ કેમ પૂરું થઈ જાય છે? અગાઉ આપણે શારીરિક ભૂખ અને ક્રેવિંગ વચ્ચેનો તફાવત સમજ્યા, પરંતુ આજના યુગમાં ક્રેવિંગ માત્ર મનની ઈચ્છા નથી—તેની પાછળ એક આખું ‘સાયન્ટિફિક અને માર્કેટિંગ સાયકલ’ કામ કરી રહ્યું છે! તો ચાલો સમજીએ….
1. ‘બ્લિસ પોઈન્ટ’ મગજને ઘેલું લગાડવાનું વિજ્ઞાન
- ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ તેમના ખોરાકમાં ખાંડ, મીઠું અને ફેટ (ચરબી)નું એવું ચોક્કસ પ્રમાણ સેટ કરે છે જેને વિજ્ઞાનની ભાષામાં ‘Bliss Point’ કહેવામાં આવે છે.
- આ એવો સ્વાદ છે જે મગજમાં ત્વરિત આનંદ આપતું કેમિકલ ‘ડોપામાઈન’ રિલીઝ કરે છે.
આ પ્રમાણ એટલું પરફેક્ટ હોય છે કે પેટ ભરાઈ ગયેલું હોવા છતાં મગજને ક્યારેય એવો મેસેજ નથી મળતો કે “હવે બસ કરો!”
2. સોશિયલ મીડિયાનો ‘વિઝ્યુઅલ બોમ્બાર્ડમેન્ટ’
આજના યુવાનો દિવસના 3 થી 4 કલાક સોશિયલ મીડિયા પર વિતાવે છે. સોસીયલ મીડિયા પર વહેતા લોઝ-અપ શૉટ્સ, ઓગળતું ચીઝ, તળાતા સ્નેક્સના અવાજ અને કલરફુલ વાનગીઓના રીલ્સ મગજમાં ‘ઇનવોલન્ટરી ક્રેવિંગ’ (વગર ભૂખે થતી ઈચ્છા) ઉભી કરે છે.આજે ‘તંદુરી’ કે ‘ચીઝી મોમોસ’ ખાવા એ માત્ર પેટ ભરવા માટે નથી, પણ “મિત્રો સાથે મોમોસ ખાધા” તેનો ફોટો કે રીલ સોશિયલ મીડિયા પર શેર કરવાનો ‘FOMO (Fear Of Missing Out) ટ્રેન્ડ’ બની ગયો છે. યુવાનો “બધા ટ્રાય કરે છે તો હું કેમ રહી જાઉં?” તે ચક્કરમાં વગર ભૂખે પણ ઓર્ડર કરી દે છે.
3. ‘ઓન-ડિમાન્ડ’ જીવનશૈલી
અગાઉના સમયમાં જંક ફૂડ ખાવા માટે ઘરની બહાર જવું પડતું કે ખાસ પ્રસંગની રાહ જોવી પડતી. આજે ઓન લાઈન ફૂડ ડીલીવરી કરતી કંપનીના એવા નોટિફિકેશન્સ કે (“તમારું મનપસંદ પિઝા રાહ જોઈ રહ્યું છે!”) મગજના એ ભાગ પર હુમલો કરે છે જે શિસ્ત અને સ્વ-નિયંત્રણ રાખવાનું કામ કરે છે. પરિણામે, ‘ના’ કહેવાની ક્ષમતા ઘટી જાય છે.અને ઘરે બેઠા જ મનપસંદ ફૂડ વગર મહેનતે મળી રહે છે.
4. શરીર પર આ સાયકોલોજીકલ ટ્રેપની ગંભીર અસર
- જ્યારે મગજ સતત ડોપામાઈનના હાઈ ડોઝ ટેવાય છે, ત્યારે ઘરનું સાદું ભોજન ‘બોરિંગ’ લાગવા માંડે છે.
- મૂડ સ્વિંગ્સ: જંક ફૂડ ખાધા પછી સુગર લેવલ ઝડપથી વધે છે અને અડધા કલાકમાં જ નીચે પડે છે (Sugar Crash), જેનાથી નાની-નાની વાતમાં ચીડિયાપણું અને ડિપ્રેશન જેવી લાગણી થાય છે.
- ઊંઘની સાયકલ ખરાબ થવી: મોડી રાત્રે જંક ફૂડ ખાવાથી પાચનક્રિયા યોગ્ય રીતે થતી નથી, જેથી ઊંઘની ગુણવત્તા બગડે છે અને સવારે ઉઠતી વખતે થાક અનુભવાય છે.
5. મગજના આ ‘હેકિંગ’માંથી બહાર કેવી રીતે આવવું?
- ફૂડ કંપનીઓના આ ચક્રમાંથી બચવા માટે ખોરાકની સાથે આપણી વિચારસરણી બદલવી જરૂરી છે:
- ‘ફાઈવ-સેકન્ડ રૂલ’ : જ્યારે પણ ઓનલાઈન જંક ફૂડ ઓર્ડર કરવાનો વિચાર આવે, ત્યારે ઓર્ડર બટન દબાવતા પહેલાં 5 સેકન્ડ અટકો અને જાતને પૂછો—“શું આ મારી સાચી ભૂખ છે કે સોશિયલ મીડિયા જોયા પછીનો ટ્રિગર ?”
- ડિજિટલ ડિટોક્સ: જમતી વખતે મોબાઈલ કે ટીવીનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરો.
- ઘરના ખોરાકમાં ક્રંચ ઉમેરો: જંક ફૂડનો ક્રેઝ તેના ‘ક્રંચ’ અને ‘મસાલા’ના કારણે હોય છે. ઘરે જ શેકેલા મખાના, મસાલા પૌઆ, કુરકુરી સેવ મમરા કે હોમ-મેડ હેલ્ધી ચિપ્સ જેવા વિકલ્પો તૈયાર રાખો.
જનરેશન ઝેડ કે આજના કોઈ પણ યુવાન માટે જંક ફૂડ છોડવું એ માત્ર જીભ પર કાબૂ રાખવાની વાત નથી, પરંતુ સ્માર્ટ માર્કેટિંગ સામે પોતાની માનસિક સજાગતા કેળવવાની લડાઈ છે. આપણે શું ખાવું છે તેનો નિર્ણય આપણા મગજનો પોતાનો હોવો જોઈએ, કોઈ ફૂડ કંપનીના નોટિફિકેશન કે વાયરલ રીલનો નહીં!
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)


