Thursday, June 18, 2026
Homeઆજનો દિવસઈતિહાસના પાનાથી આજના આધુનિક યુગ સુધી: પ્રત્યેક નારીમાં જાગે 'ઝાંસીની રાણી'

ઈતિહાસના પાનાથી આજના આધુનિક યુગ સુધી: પ્રત્યેક નારીમાં જાગે ‘ઝાંસીની રાણી’

માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારી, અપ્રતિમ શૌર્યની મૂર્તિ અને ભારતીય નારી શક્તિનું સર્વોચ્ચ પ્રતીક એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. આજે તેમની પુણ્યતિથિ પર સમગ્ર દેશ તેમને સાદર નમન કરી રહ્યો છે. રાણી લક્ષ્મીબાઈ કોઈ સામાન્ય શાસક નહોતા, તેઓ એ વીરાંગના હતા જેમણે પરાધીનતા સ્વીકારવાને બદલે શહીદી વહોરી લીધી. આજે જ્યારે ૨૧મી સદીની નારી આધુનિકતાની ચકાચૌંધમાં આગળ વધી રહી છે, ત્યારે લક્ષ્મીબાઈના જીવનનો ઈતિહાસ અને તેમનું બલિદાન એક નવો માર્ગ ચિંધે છે.

- Advertisement -

કાશી (વારાણસી) માં જન્મેલા મણિકર્ણિકા (મનુ) ના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા અને તેઓ ‘લક્ષ્મીબાઈ’ બન્યા. નાનપણથી જ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેમાં નિપુણ મનુએ ક્યારેય મુશ્કેલીઓ સામે ઘૂંટણ ન ટેકવ્યા. રાજાના અવસાન બાદ, અંગ્રેજોની કુટિલ ‘ખાલસા નીતિ’ હેઠળ ઝાંસીને હડપવાનો પ્રયાસ થયો ત્યારે આ ૨૨ વર્ષની યુવાન વિધવા રાણીએ ગર્જના કરી હતી: “મેં અપની ઝાંસી નહીં દૂંગી!”અને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈ ક્રાંતિની મુખ્ય મશાલ બન્યા.બંને હાથમાં તલવાર લઈ ઘોડાની લગામ મોંમાં દબાવીને જ્યારે તેઓ યુદ્ધમેદાનમાં ઉતર્યા, ત્યારે દુશ્મનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

આજના સમયમાં સ્ત્રીઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે ખૂબ પ્રગતિ કરી રહી છે, જે આવકારદાયક છે. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના અતિરેક અને ‘આધુનિક’ દેખાવાની હોડમાં ક્યાંક ને ક્યાંક નૈતિક મૂલ્યો, સંસ્કારો અને પારિવારિક તાણાવાણા નબળા પડી રહ્યા છે.આધુનિકતાનો અર્થ વૈચારિક સ્વતંત્રતા છે, ઉચ્છૃંખલતા નહીં. સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણો, ભૌતિકવાદી અંહકાર અને સંસ્કૃતિથી વિમુખ થવાની આંધળી દોડ પર હવે ‘બ્રેક’ મારવાનો સમય પાકી ગયો છે. પ્રગતિના નામે પતન તરફ જતી આ ગતિને રોકવી જ પડશે.

- Advertisement -

આજની નારીએ સરહદ પર જઈને લડવાનું નથી, પણ સમાજની બુરાઈઓ અને પોતાની નબળાઈઓ સામે ‘લક્ષ્મીબાઈ’ બનવાનું છે:

વૈચારિક દ્રઢતા અને આત્મબળ: નાની-નાની મુશ્કેલીઓમાં હતાશ થઈ જતી આધુનિક પેઢીએ રાણીના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ કે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર અડીખમ કેવી રીતે રહેવું.

- Advertisement -

સ્વાભિમાન અને સુરક્ષા: સ્ત્રીએ અબળા કે ભોગની વસ્તુ બનવાને બદલે માનસિક અને શારીરિક રીતે એટલી સક્ષમ બનવું પડશે કે પોતાની રક્ષા પોતે કરી શકે. પ્રત્યેક નારીમાં આત્મરક્ષણ અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની એ તલવાર સદાય ધારદાર હોવી જોઈએ.

સંસ્કાર અને ટેકનોલોજીનો સમન્વય: ખરી પ્રગતિ એ છે જ્યાં હાથમાં આધુનિક ટેકનોલોજી હોય પરંતુ હૃદયમાં ભારતીય સંસ્કાર અને માતૃભૂમિ માટે ગર્વ હોય. રાણી લક્ષ્મીબાઈ જેટલા કુશળ યોદ્ધા હતા, એટલા જ પ્રજાવત્સલ અને ધર્મપરાયણ હતા.

રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિએ માત્ર દીવો પ્રગટાવીને અટકી જવાનું નથી, પણ તેમના શૌર્ય અને બલિદાનના વિચારોને આપણા જીવનમાં ઉતારવાના છે. આધુનિકતાના આકાશમાં ભલે ઉડો, પણ તમારા સંસ્કારના મૂળિયાં જમીન સાથે જોડાયેલા રાખો. દેશની પ્રત્યેક નારી જ્યારે આત્મનિર્ભરતાની સાથે ચારિત્ર્યવાન અને નીડર બનશે, ત્યારે જ રાણી લક્ષ્મીબાઈનું બલિદાન સાર્થક થશે. “ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી…” આ પંક્તિઓ માત્ર ઈતિહાસ ન રહેતા આજના યુગની નારી માટે પ્રેરણા મંત્ર બને એ જ અભ્યર્થના.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular