પોલીસ ભરતીના નામે રૂ.1.44 કરોડથી વધુના કૌભાંડમાં પોલીસે બે મહિલા સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા છે. કૌભાંડની મુખ્ય સૂત્રધાર મૂળ જૂનાગઢની અને અમદાવાદના સેટેલાઈટમાં રહેતી યુવતી અને તેનો પતિ નીકળ્યા છે. સુરતના યુવક પ્રતાપ કૈલાશભાઈ જાટે આ અંગે શુક્રવારે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ અનુસાર તેની સાથે પોલીસ ભરતીના નામે 3.50 લાખની છેતરપિંડી થઈ હતી. યુવકે જેના મારફતે પૈસા આપ્યા હતા તે રામસિંગ ચૌહાણે આ પ્રકારે 40 યુવકોના પૈસા આરોપી ગેંગને આપ્યા હતા. એસપી મયૂર ચાવડાની સૂચનાથી એલસીબી પીઆઈ જે.જી. વાઘેલાએ ટીમ બનાવી ફોન લોકેશનના આધારે આરોપીઓ સેક્ટર-19 પુનિતવન પાસે હોવાની માહિતી મળતા તાત્કાલિક ત્યાં પહોંચીને સ્વિફ્ટ કારમાં બેઠેલા ચાર લોકોને દબોચી લીધા હતા.
આરોપીઓ પાસેથી પોલીસે 1.85 લાખના 8 ફોન અને 61 હજાર રોકડા અને 3 લાખની કાર મળી કુલ 5.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓએ રાજ્યના ત્રણ આઈપીએસની ખોટી સહી કરીને અનેક યુવકોને બનાવટી નિમણૂક પત્રો અને આઈકાર્ડ આપી દીધા હતા. જોકે આ કૌભાંડમાં જો કોઈ પણ ભોગ બનેલું હોય તો ગાંધીનગર એલસીબી-1 અથવા એસઓજીનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.