કાલાવડ તાલુકાના ખંઢેરા અને હરિપર ગામની વચ્ચેના માર્ગ પરથી પસાર થતાં બાઇકચાલક સગીરને પુરપાટ આવી રહેલી કારના ચાલકે ઠોકર મારી હડફેટ લેતાં સગીરનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના ખંઢેરા ગામથી હરિપર ગામ જવાના માર્ગ પર ગત્ તા. 18ના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં જીજે03 ઇબી 7060 નંબરના બાઇક પર જઇ રહેલાં મેહુલભાઇ (ઉ.વ.17) નામના સગીરને પુરપાટ બેફિકરાઇથી આવી રહેલી જીજે10 ઇસી 7126 નંબરની કારના ચાલકે સામેથી આવી રહેલા સગીરના બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં મેહુલને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની રાયધનભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ આર. બી. ઠાકોર તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.


