આંતરરાષ્ટ્રીય કક્ષાની સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ ક્ષય નાબૂદી અભિયાનને વેગ મળે એ માટે સરકારના જિલ્લા ક્ષય કેન્દ્રને 1 ફોર-વ્હીલર્સ અને 11 ટુ-વ્હીલર્સ મળી કુલ 12 વાહનોની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત ટીબીના નિદાન માટે જરૂરી એવા 15 મશીન યુનિટ પણ અર્પણ કરાયા છે.
નયારા એનર્જી દ્વારા વર્ષ 2021-22થી ક્ષયના દર્દીઓને પોષણ મળી રહે એ માટે પોષણ કીટની સહાયતા શરુ કરવામાં આવી રહી છે. જેમાં હાલમાં 8000 દર્દીઓને 16000 કીટ પુરી પાડવામાં આવી રહી છે. દરમિયાન પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવા માટે માળખાકીય સુવિધામાં વધારો કરવા માટે ક્ષય કેન્દ્ર દ્વારા મૂલ્યાંકન કરાયું હતું. આ મૂલ્યાંકનના આધારે નયારા એનર્જીએ ચાર સ્તંભો જેમાં શોધ, સારવાર, નિવારણ અને નિર્માણ અભિયાનને વધુ સુદ્રઢ બનાવવા ઔદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે સમર્થન જાહેર કરી વાહનો અને રોગ નિદાન સાધનોની સહાય અર્પણ કરી હતી.
નયારા એનર્જીના રિફાઇનરીના પ્રવેશદ્વાર પાસે વાડીનાર રિફાઇનરીના હેડ અમરકુમાર, લીડરશીપ ટીમના સભ્યોના હસ્તે જિલ્લા ક્ષય કેન્દ્રના વડા અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ અને તેમના સભ્યોને વાહનોની ચાવી સુપ્રત કરી તમામ વાહનોને પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા.
આ વાહનોમાં જિલ્લા ટીમને ફિલ્ડ મોનીટરીંગ કરવા માટે યુટીલીટી વાહન અને સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર, સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર અને ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર્સ માટે 11 ટુ-વ્હીલર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાલપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે એક ટ્રુએનાટ મશીન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે 15 માઇક્રોસ્ક્રોપ અર્પણ કરાયા હતા.
નયારા એનર્જીના આ સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્રને મોલેક્યુલર પરીક્ષણ, ફોલો-અપ્સ, સંપર્ક ટ્રેસીંગ માટે ગતિશીલતા, પ્રારંભિક સારવાર કરવામાં ઝડપ વગેરે જેવી પ્રાથમિક અને મહત્વની ગણાતી આરોગ્ય પ્રણાલીઓને મજબૂતી મળશે.


