લાલપુર ગામમાં શહીદા ગાર્ડન નજીક વોકિંગ કરવા નીકળેલા વૃદ્ધને વહેલી સવારના સાડા પાંચ વાગ્યાના અરસામાં અજાણી બોલેરો પીકઅપ વાનના ચાલકે પાછળથી ઠોકર મારતાં સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત નિપજયું હતું.
હિટ એન્ડ રનના બનાવની વિગત મુજબ લાલપુર ગામમાં પટેલ શેરી વિસ્તારમાં રહેતાં મેઘજીભાઇ ભાલોડિયા (ઉ.વ.63) નામના વૃદ્ધ ગત્ તા. 16ના રોજ વહેલી સવારના સાડા પાંચ વાગ્યાના અરસામાં દરરોજ ઘરેથી વોકિંગ કરવા જતા હતા. દરમ્યાન તા. 16ના વહેલી સવારે ઘરેથી ગોવાણા ચોકડી તરફ વોક કરતાં હતા ત્યારે શહીદા ગાર્ડન પાસે પહોંચ્યા તે સમયે પાછળથી પુરાપાટ બેફિકરાઇથી આવી રહેલી અજાણી બોલેરો પીકઅપ વાનના ચાલકે મેઘજીભાઇને ઠોકર મારી હડફેટ લેતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક તેનું વાહન લઇ પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ વૃદ્ધને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા લાલપુરની સરકારી હોસ્પિટલ અને પછી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું તા. 20ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર નરેન્દ્રભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ. પી. ગોહિલ તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.


