જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં પાર્ક કરેલી બહાર કાઢવા બાબતે થયેલી બોલાચાલીમાં ચાર શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર મારી, બેઝબોલના ધોકા વડે કારના આગળ-પાછળના ચારેય કાચ તોડી નાખી, યુવાન ઉપર હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા હરિદ્વારા પાર્કમાં રહેતો વેપારી અફઝલભાઇ અબ્દુલભાઇ અમીરાણી નામનો યુવાન સોમવારે બપોરના સમયે ગુલાબનગર મેઇન રોડ પર તેની હોટલ પાસે પાર્ક કરેલી કાર બહાર કાઢવા બાબતે જાહિર અબ્બાસ દલ સાથે બોલાચલી અને ઝપાઝપી થતાં વેપારીના મોઢા તથા કપાળના ભાગે જાહિરે માર મારી ઇજા પહોંચાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ જાહિરે અસલમ અબ્બાસ, મહમદહનિફ શાહમદાર અને અશરફ સહિતના ચાર શખ્સોએ ફરીથી આવીને વેપારીની કારના આગળ-પાછળના કાચમાં બેઝબોલના ધોકાવાળી કરી કાચ તોડી નાખ્યા હતા. ચારેય શખ્સોએ યુવાનને માર મારી, ઇજા પહોંચાડી હતી. ધોકા વડે કારના કાચ તોડી નાખી રૂપિયા 35 હજારનું નુકશાન કર્યું હતું. આ અંગે વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફ દ્વારા ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.