જામનગરમાં સોમવારથી શાળાઓ શરૂ થઇ ચૂકી છે. ત્યારે શાળાઓ શરૂ થવા પૂર્વે જામનગરની બજારોમાં શાળાના યુનિફોર્મ, ચોપડા, બૂટ સહિતની ચીજવસ્તુઓની ખરીદીમાં ભીડ જામી હતી. દુકાનોની બહાર લાઇનો લાગતાં દ્રશ્યો જોવા મળ્યા હતા. આવા દ્રશ્યો આ વર્ષે જ નહીં, દર વર્ષે જોવા મળે છે. ત્યારે અહીં એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે, આવી ચીજવસ્તુઓની ખરીદીમાં છેલ્લી ઘડીએ દોડધામ કરવા પાછળ કોણ જવાબદાર? શાળા કે પછી વાલીઓ? શાળા શરૂ થવાના એક દિવસ પૂર્વેથી આવી ખરીદી કરવાના બદલે શું પૂર્વ આયોજન સાથે આઠ-દસ દિવસ પૂર્વેથી જ આ તૈયાર શરૂ ન થઇ શકે?

જામનગર સહિત રાજ્યભરમાં શિક્ષણવિભાગ દ્વારા જાહેર કરાયેલ 35 દિવસનું ઉનાળુ વેકેશન સોમવારે પૂર્ણ થયું છે. સોમવારથી શાળાઓ શરૂ થઇ ચૂકી છે. 35 દિવસથી શાંત રહેલ શાળાઓ તથા વર્ગખંડો ભૂલકાઓના કિલ્લોલથી ગૂંજી ઉઠયા હતા. એવામાં શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓના સ્કૂલ યુનિફોર્મ, બૂટ, ચોપડા, નોટબૂક, સ્ટેશનરી વગેરે ચીજવસ્તુઓની જરૂરિયાત રહેતી હોય છે. જામનગરમાં વાલીઓ પોતાના સંતાનો માટે આવી ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે. જેમાં જામનગરની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. શાળા શરૂ થવાના એક દિવસ પૂર્વેથી આવી દુકાનોમાં ભારે ભીડ જામે છે અને દુકાનોમાં એક તબક્કે તો પગ પણ ન મૂકી શકાય તેટલી ભીડ જોવા મળે છે. એવું નથી કે, આ પરિસ્થિતિ આ વર્ષે જ જોવા મળી. ઘણા વર્ષોથી જામનગરમાં આ પરિસ્થિતિ જોવા મળે છે.
શાળા શરૂ થવાની તારીખ અગાઉથી જ જાહેર હોય છે. ત્યારે શાળા શરૂ થવાના એક કે બે દિવસ પૂર્વેથી જ આવી ખરીદી શું કામ? એકાદ સપ્તાહ પૂર્વે આયોજન કરી આ ખરીદી ન થઇ શકે? પુસ્તકો કદાચ ન આવ્યા હોય અથવા તેમાં શાળામાંથી આપવામાં આવતા હોય અથવા નવા પુસ્તકો કે પુસ્તકો બજારમાં ન આવ્યા હોય તેવું બની શકે. પરંતુ યુનિફોર્મ, બૂટ, મોજા જેવી વસ્તુઓ તો શાળાની ફિક્સ હોય છે. શું આવી વસ્તુની ખરીદી એકાદ સપ્તાહ પૂર્વેથી ન થઇ શકે? જામનગરમાં છેલ્લા થોડા વર્ષોથી ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની સાથે જામનગરમાં યુનિફોર્મની દુકાનોમાં ભારે ધસારો જોવા મળે છે. શહેરના બેડી ગેઇટ, સુપર માર્કેટ, ખાદી ભંડાર, પટેલ કોલોની જેવા વિસ્તારોમાં યુનિફોર્મ તેમજ પુસ્તકોની દુકાનો આવેલી છે. જ્યાં ભારે ભીડ જોવા મળી રહી છે અને આ ભીડ એટલી બધી હોય છે કે, દુકાનમાં પગ મૂકવાની જગ્યા પણ રહેતી નથી અને દુકાનની બહાર લાંબી લાઇનો લાગે છે. જેના પરિણામે ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓ પણ સર્જાતી હોય છે.
તાજેતરમાં જ રાજકોટમાં સ્કૂલ યુનિફોર્મની દુકાનમાં ભીડ વચ્ચે વેપારી અને ગ્રાહક વચ્ચે ઘર્ષણ થતાં મારામારી સુધી વાત પહોંચી ગઇ હતી. આ વિડિયો હાલમાં સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. ત્યારે આવી કોઇ અનિચ્છનિય ઘટના જામનગરમાં સર્જાય તે પૂર્વે આ અંગે વિચારવું જરૂરી બન્યું છે. આ સમસ્યા અંગે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, શાળાઓ દ્વારા અંતિમ ક્ષણે યુનિફોર્મ કયાંથી મળશે? તે માટે વાલીઓને મેસેજ કરાઇ રહ્યાં છે. જેથી આવી મુશ્કેલી સર્જાતી હોય છે.
જામનગરમાં કેટલાંક વાલીઓ દ્વારા નામ ન દેવાની શરતે એવું પણ જણાવી રહ્યાં છે કે, સોમવારે શાળા શરૂ થવાની હતી અને રવિવારે શાળામાંથી યુનિફોર્મ અને તેના વેચાણ સેન્ટરનો મેસેજ આવ્યો અને સોમવારથી જ યુનિફોર્મ ફરજિયાત પહેરીને આવવા સૂચના અપાઇ હતી. ત્યારે એક દિવસ પૂર્વે જો આવી રીતે યુનિફોર્મ અંગેની માહિતી શાળા આપે તો આવી પરિસ્થિતિ સર્જાવાની જ છે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી. એક દિવસ પૂર્વે શાળા જાણકારી આપે તો એકસાથે વાલીઓને દોડધામ થઇ જતી હોય છે. બીજીતરફ કેટલાંક વાલીઓ પણ ઉનાળુ વેકેશનના મૂડમાં હોય, અંતિમ ક્ષણોમાં દોડધામ કરતાં હોય છે.
જામનગરમાં યુનિફોર્મની દુકાનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દુકાનોમાં ભારે ભીડ તથા મહિલાઓ પણ ખરીદીમાં જતી હોય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ધસારાને કારણે વાલીઓ અને વેપારીઓ વચ્ચે પણ નાની મોટી ચકમક અને ગજગ્રાહ સર્જાતા હોય છે. બીજીતરફ વેપારીઓ પણ પરેશાન થતાં હોય છે. સવારથી સાંજ સુધી ભારે ભીડ વચ્ચે કયારેક વેપારીઓ પણ આકરો મીજાજ અપનાવી લેતાં હોય છે. ત્યારે જો આ અંગે વેપારીઓ પણ સુઝબુઝ અપનાવી ટોકન સિસ્ટમ કે એવી કોઇ પદ્ધતિ અપનાવે તો વાલીઓને પણ મુશ્કેલી ન પડે અને વેપારીઓ પણ સરળતાથી વેપાર કરી શકે અને કોઇ ઘર્ષણ ન સર્જાય.
નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં યુનિફોર્મની સાથે સાથે પુસ્તકો પણ જરૂરિયાત રહે છે. પરંતુ તેમાં પણ હાલમાં બજારમાં પુસ્તકોનો જથ્થો ઉપલબ્ધ ન હોય, વાલીઓ પરેશાન થઇ રહ્યાં છે. આ ઉપરાંત શાળાના પુસ્તકો ચોક્કસ દુકાનોમાં જ મળતાં હોવાની રાવ પણ ઉઠી હોય જેના પરિણામે પણ વાલીઓને પરેશાની થાય છે અને પુસ્તકોનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ ન હોય અનેક ધક્કા ખાવાનો વારો આવે છે. શાળાના પુસ્તકો ચોક્કસ દુકાનોમાં જ મળતા હોય, અન્ય દુકાનોમાં ન મળતાં હોવાના પરિણામે વાલીઓને મજબૂરીવશ દુકાનોમાં ધકકા ખાવા પડી રહ્યાં છે. જો અન્ય દુકાનોમાં પણ પુસ્તકો મળી રહે તો એક દુકાનમાં સ્ટોક ન હોય તો અન્ય દુકાનમાંથી વાલીઓ પુસ્તકો ખરીદી શકે. પરંતુ મોટાભાગની શાળાઓના પુસ્તકો ચોક્કસ દુકાનોમાંથી જ મળતા હોય છે અને ત્યાં પણ સ્ટોક મર્યાદિત હોય અન્ય દુકાનોમાં ન મળવાના કારણે વાલીઓ પરેશાન થતાં હોય છે. હાલમાં શાળાઓ શરૂ થઇ ચૂકી છે. આમ છતાં અનેક ધોરણના પાઠય પુસ્તકોનો જથ્થો બજારમાં ઓછો હોવાની બૂમરાળ મચી છે.