Thursday, July 10, 2025
Homeરાજ્યજામનગરજેએમસી જનરલ બોર્ડની નવી બિલ્ડીંગની પહેલી સભામાં જ હોબાળા - VIDEO

જેએમસી જનરલ બોર્ડની નવી બિલ્ડીંગની પહેલી સભામાં જ હોબાળા – VIDEO

ચાર અધિકારીઓને પ્રમોશન સર્વાનુમતે મંજૂર : મિડિયાની બેઠક વ્યવસ્થા મુદ્દે નારાજગીને પરિણામે અડધી કલાક સુધી વિરોધ

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક શુક્રવારે યોજાઇ હતી. જામનગર મહાનગરપાલિકાના નવનિર્મિત સભાગૃહમાં યોજાયેલ આ જનરલ બોર્ડની બેઠક આક્રમક બની હતી. પ્રારંભમાં જ મીડિયા કર્મચારીઓની બેઠક વ્યવસ્થા મુદ્દે વિવાદ થયો હતો. જે વિવાદ સમજાવટ બાદ થાળે પડયો હતો. નિર્ધારિત સમય કરતાં જનરલ બોર્ડની બેઠક મોડી શરૂ થઇ હતી. જેમાં ચાર અધિકારીઓને બઢતી આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. તેમજ સમાણા રોડ ઉપર બ્રીજ બનાવવાના એજન્ડાને પણ કોંગ્રેસના વિરોધ વચ્ચે મંજૂર કરી દેવાયો હતો. બાદમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર અંગે વિપક્ષી સભ્યો દ્વારા થયેલ ટીપ્પણીને કમિશનર દ્વારા પર્સનલ એટેક ગણી નારાજગી વ્યક્ત કરી વોકઆઉટ કરતાં કમિશનરની સાથે તમામ અધિકારીઓ પણ બોર્ડમાંથી વોકઆઉટ કરી ગયા હતા. જેના પરિણામે જનરલ બોર્ડ પૂર્ણ કરી દેવાયું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડનું બિલ્ડીંગ જર્જરિત થયા બાદ વર્ષ 2021 થી જામનગર મહાનગરપાલિકા વિવિધ સ્થળોએ સામાન્ય સભા યોજી રહી હતી. તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાનું પોતાનું જનરલ બોર્ડનું બિલ્ડીંગ નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી દ્વારા તેનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ શુક્રવારે આ નવા બિલ્ડીંગમાં જામનગર મહાનગરપાલિકાની સૌપ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. નવા બિલ્ડીંગમાં પ્રથમ સામાન્ય સભા જ આક્રમક બની ગઇ હતી. અનેક વખત હોબાળાની ઘટના બની હતી. જામનગર મહાનગરપાલિકાની શુક્રવારે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં સૌપ્રથમ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ મુખ્યમંત્રી સહિતના દિવંગતોને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં આસિ. કમિશનર (ટેક્સ)ની જગ્યા પર જીજ્ઞેશ નિર્મળ, આસિ. કમિશનર (વહીવટ)ની જગ્યા પર મુકેશ વરણવા, એક્ઝિક્યુટિવ ડ્રેનેજની જગ્યા પર નરેશ રાવલ અને ચીફ ઓડિટરની જગ્યા પર કોમલબેન પટેલને પ્રમોશન આપવા નિર્ણય કરાયો હતો.

- Advertisement -

જામનગર શહેરના સમાણા રોડના બ્રીજની નજીક રે.સ.નં. 1133/પૈકી-1 થી રે.સ.નં. 924ને જોડતો બ્રીજ રંગમતિ નદી પર બનાવવાના કામની દરખાસ્તના એજન્ડામાં વિપક્ષી સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. જો કે, તેને પણ સર્વાનુમતે મંજૂર કરી દેવાયું હતું. અધિકારીઓની બઢતીના એજન્ડામાં રાહુલ બોરિચાએ તમામ ચાર અધિકારીની બઢતી માટે લાયકાત જણાવવા માંગણી કરી હતી. વિપક્ષના અલ્તાફ ખફી, જેનબબેન ખફી, અસલમ ખીલજી વગેરેએ કહ્યું હતું કે, બઢતી સામે વાંધો નથી, પરંતુ અન્ય નિમણૂંકમાં નિયમ જાળવવો જોઇએ. તેમજ એક અધિકારી પાસે બે થી ત્રણ ચાર્જ હોવાથી તેઓ પહોંચી ન શકતાં હોવાનું પણ વિપક્ષી સભ્ય દ્વારા જણાવાયું હતું. આ ઉપરાંત સુનિલ ભાનુશાળી જેવા અધિકારીને નોકરીનો ટૂંકો સમય બાકી હોય તેમને પણ પ્રમોશન આપવું જોઇએ તેવી રજૂઆતો કરવામાં આવી હતી. રચનાબેન નંદાણિયાએ યુસીડી અને ગાર્ડન શાખામાં યોગ્ય અધિકારી મૂકવા રજૂઆત કરી હતી.

ભાજપના કોર્પોરેટરો દ્વારા દરેડ ઉદ્યોગનગરના ટેક્સ પ્રશ્ને વ્યાજમાફી આપવાની માંગણી કરવામાં આવી હતી. જેમાં વિપક્ષી કોર્પોરેટર અલ્તાફ ખફીએ કહ્યું હતું કે, તેઓ હાઇકોર્ટમાં હારી ગયા છે. ત્યારે આ નિર્ણય શા માટે? જો કે, આખરે બાકી વેરા રકમમાં વ્યાજમાફી આપવા નિર્ણય કરાયો હતો.

- Advertisement -

વિપક્ષી સભ્ય દ્વારા કમિશનર અંગે થયેલી ટીપ્પણીને લઇ અધિકારીઓનું વોકઆઉટ
જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્નોત્તરી દરમ્યાન વિપક્ષના આનંદ રાઠોડએ કમિશનરને સવાલ કર્યો હતો કે, આપ આઇએએસ અધિકારી પાસ થઇને બન્યા છો કે બઢતીથી? આથી કમિશનરએ નારાજગી દર્શાવી પર્સનલ એટેક કરવા જણાવ્યું હતું. આ દરમ્યાન વધુમાં સર્કસના જોકરનો દાખલો અપાતાં મામલો બિચકાયો હતો. કમિશનર સભાગૃહ છોડી નિકળી ગયા હતા. આ સાથે અન્ય અધિકારીઓ પણ વોકઆઉટ કરી ગયા હતા. જેને પગલે જનરલ બોર્ડ વિખેરાઇ ગયું હતું.

જનરલ બોર્ડના પ્રારંભે મિડિયાની બેઠક વ્યવસ્થાને લઇ વિરોધ
જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં નવા બિલ્ડીંગમાં પત્રકારોને ગેલેરીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેમજ ફોટોગ્રાફરોને બે-ત્રણ મિનિટ શુટિંગ કરી, ફોટા પાડી લો તેવું જણાવતા પત્રકારોમાં નારાજગી છવાઇ હતી. પત્રકારો અને ફોટોગ્રાફરો દ્વારા રજૂઆત કરાઇ હતી કે, ગેલેરીમાંથી વિઝયુઅલ કે ફોટા સારા ન આવે અને રજૂઆત ચાલતી હોય ત્યારે શું કરવું? જે અંગે મેયર વાત સ્વીકારવા તૈયાર ન હતા. આ અંગે વિપક્ષી નગરસેવકો દ્વારા પણ પત્રકારોની માંગણી યોગ્ય હોય આ અંગે યોગ્ય કહ્યું હતું. આખરે પત્રકારોને ગેલેરીમાં બેસવા અને ફોટોગ્રાફરો નીચે શુટીંગ કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવાતા મામલો શાંત પડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular