ભાણવડના નવાગામ નદી કાંઠે આવેલા વાડી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નદીનું પાણી સુકાઈ જતાં એક મહાકાય મગર આશ્રયની શોધમાં નજીકના એક ખેડૂતના કૂવામાં ખાબક્યો હતો. કૂવામાં વિશાળકાય મગર હોવાની જાણ વાડી માલિકને થતાં જ સમગ્ર વિસ્તારમાં કૌતુક અને ફફડાટ વ્યાપી ગયો હતો. વાડી માલિકે તુરંત જ ભાણવડના જાણીતા એનિમલ રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને અશોકભાઈ ભટ્ટ તેમની અનુભવી ટીમ સાથે ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી ગયા હતા. અતિ ઊંડા કૂવામાંથી આ પ્રચંડ મગરને બહાર કાઢવાનું કાર્ય પડકારજનક હતું, પરંતુ એનિમલ લવર્સની ટીમે ભારે સૂઝબૂઝ અને અદભુત સાહસ બતાવી સતત 3 કલાકની ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. મગરને કોઈ પણ જાતની ઈજા વગર હેમખેમ બહાર કાઢ્યા બાદ, તેને વન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત રીતે પાણીથી ભરપૂર બરડાના તળાવમાં મુક્ત (રિલીઝ) કરવામાં આવ્યો હતો.
આ કપરા અને પ્રશંસનીય બચાવ કાર્યને સફળ બનાવવામાં એનિમલ લવર્સ ગ્રુપના અશોક ભટ્ટ, સોહિલ સહરવદિ,વિજય ખૂંટી, વિશાલ ભરવાડ, અરજણ રબારી, હારુનભાઈ અને મિલનભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી, જે બદલ સ્થાનિક રહીશોએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


