ભાણવડની ભાગોળે ખરાવાડ વિસ્તારમાં આઠ વર્ષની બાળા ઉપર રખડતાં ભટકતાં શ્વાને હુમલ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બાળાને તાત્કાલિક સારવાર માટે લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. પરંતુ ઇજા ગંભીર હોવાથી ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. બાળાના મૃત્યુથી શ્રમિક પરિવાર ઉપર આભ ફાટી પડયું છે.
અત્રેના ખરાવાડ વિસ્તાર સહિત સીમ વગડામાં વસતા લોકો દ્વારા છેલ્લા થોડાં સમયથી રખડતાં ભટકતાં શ્ર્વાનનો ત્રાસ ખૂબ જ વધી ગયો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. અહીં રમતાં ભમતાં ભૂલકાઓ તથા બાળકોને અવારનવાર બચકા ભરી ઇજા પહોંચાડી હોવાના બનાવથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.
ત્યારે એક કમનસીબ ઘટનામાં શ્રમિક પરિવારની સેજલબેન રસુલભાઇ નાયક નામની આઠ વર્ષની બાળા ઉપર અચાનક શ્વાને હુમલો કર્યો હતો. આ હુમલાથી બાળા લોહીલુહાણ થઇ ગઇ હતી. જેને ભાણવડની સરકારી હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલાં કરૂણ મૃત્યુ નિપજયું હતું. બાળાના મોતથી શ્રમિક પરિવારમાં આક્રંદ ફેલાઇ ગયું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં સમય પહેલાં નજીકના રૂપામોરા ગામે પણ શ્વાને આતંક મચાવી બાળાને મોતને ઘાટ ઉતારી હતી. આવો બનાવ ફરી બનતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.