જામનગરમાં સ્ત્રી વિકાસગૃહમાં રહેતી બે સગીરાને વિકાસગૃહમાં ગમતું ન હોય બહાર નિકળતા બે શખ્સોએ તેમની સાથે સંપર્કમાં આવતાં દુષ્કર્મ આચરતા પોક્સો કોર્ટ દ્વારા બન્ને શખ્સોને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઇ છે. ભોગ બનનારને વળતરપેટે રૂપિયા બે લાખ ચૂકવવા પણ હુકમ કરાયો છે.
આ બનાવની વિગત મુજબ તા. 02-04-2021ના રાત્રિના સમયે 13 વર્ષની અને 15 વર્ષની બે સગીરા સ્ત્રી વિકાસગૃહમાં રહેતી હોય અને તેને તેમાં રહેવું ગમતું ન હોય જેથી પોતાની મરજીથી વિકાસગૃહમાંથી નીકળી સાત રસ્તા સર્કલ પાસે પહોંચતા અમૂલ પાર્લર પાસે રીક્ષાવાળાઓ ઉભા હોય જેમાં નવાબ નામનો વ્યક્તિ ભોગ બનનારને ઓળખતો હોય, જેથી ભોગ બનનારે તેણે જણાવ્યું હતું કે, અમે વિકાસગૃહમાંથી નીકળી ગયા છીએ અને અમારે ફરવું છે. જેથી નવાબ બશીર સેતા બન્ને ભોગ બનનારને રિક્ષામાં બેસાડી જામનગર ફેરવી હતી. ત્યારબાદ ખોડિયાર કોલોની રોડ પર રાજ ચેમ્બર ગેસ્ટ હાઉસમાં લઇ જઇ નવાબે ભોગ બનનારની ઇચ્છા વિરૂઘ્ધ શરીરસંબંધ બાંઘ્યો હતો. અને સવારે નવાબનો મિત્ર રાહુલ ભરત સોલંકી પણ ગેસ્ટ હાઉસ પહોંચી તેેણે પણ ભોગ બનનાર સાથે શરીરસંબંધ બાંઘ્યો હતો. તેમજ રાજ ચેમ્બરના મેનેજર અક્ષેશ સુરાભાઇ અસ્વારએ બન્ને આરોપીને ગેસ્ટ હાઉસનો રૂમ આપ્યો હોય, ચિલ્ડ્રન હોમ ગર્લ્સ કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના અધિક્ષકએ સિટી ‘બી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે 18 સાહેદો તથા દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલની દલીલ માન્ય રાખી આરોપી નવાબ તથા રાહુલને તકસિરવાન ઠેરવી આઇપીસી કલમ 376(ર)(આઇ)(જે) 354, 354(એ), 114 તથા પોક્સો કલમ 4,6,8,12,18 મુજબ 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 10 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા આઇપીસી 363 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 2 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા, આરોપી અક્ષેશ અસ્વારને રૂા. 10 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા, બન્ને ભોગ બનનારને વળતરપેટે રૂા. બે લાખ ચૂકવવા સ્પે. પોક્સો કોર્ટના જજ વી. પી. અગ્રવાલએ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારપક્ષે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.