Sunday, May 31, 2026
Homeરાજ્યજામનગરકોર્પોરેટરના પુત્ર સામે પોલીસની મોટી કાર્યવાહી

કોર્પોરેટરના પુત્ર સામે પોલીસની મોટી કાર્યવાહી

રૂ.2 કરોડના દારૂના કેસમાં 19 ગુનાનો રીઢો આરોપી ઝડપાયો

જામનગરના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનેલી મોટી પોલીસ કાર્યવાહીમાં વોર્ડ નં. 10ના કોર્પોરેટરના પુત્ર અને 19 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણિયાને રાજકોટ રેન્જ પોલીસે ચોટીલા નજીકથી ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી ફરાર રહેલો આ આરોપી રૂ.2 કરોડના વિદેશી દારૂના મોટા પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ હતો.

- Advertisement -

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગુનેગારો સામે શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સતત દેખરેખના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવવામાં આવ્યું હતું. બાતમીના આધારે પોલીસે ચોટીલા નજીક જાહેર માર્ગ પરથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસને સોંપ્યો હતો.

પોલીસ રેકોર્ડ મુજબ હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયા માત્ર પ્રોહિબિશનના ગુનાઓમાં જ નહીં પરંતુ હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી, ધાડ પાડવાની તૈયારી, જાહેરનામા ભંગ અને અન્ય ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો રહ્યો છે. તેની સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 19 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

આરોપી સામે બે હત્યાના ગુના, બે હત્યાના પ્રયાસના ગુના, છ મારામારીના ગુના, ચાર પ્રોહિબિશનના ગુના તેમજ અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ વિભાગમાં તે રીઢા ગુનેગાર તરીકે ઓળખાય છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા અંદાજે રૂ.2 કરોડના વિદેશી દારૂના મોટા જથ્થાના કેસમાં હિતેશ ઉર્ફે વાંગાનું નામ ખુલતા તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અનેક સ્થળોએ આશરો બદલી અને સતત ફરાર રહેતા આરોપીને શોધવા માટે રાજકોટ રેન્જ પોલીસે ખાસ ટીમો કાર્યરત કરી હતી.

- Advertisement -

આખરે ચોટીલા વિસ્તારમાં તેની હાજરી અંગે મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસને સફળતા મળી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપીની ધરપકડ બાદ હવે પોલીસ દ્વારા તેના ગુનાહિત સંપર્કો, દારૂના નેટવર્ક, નાણાકીય વ્યવહારો અને અન્ય સાગરિતો અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રોહિબિશનના આ મોટા કેસમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને આરોપી કયા માધ્યમથી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતો હતો તે અંગે પણ તપાસનો દોર શરૂ થયો છે.

પકડાયેલો આરોપી સ્થાનિક કોર્પોરેટરનો પુત્ર હોવાથી સમગ્ર મામલો રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય પરિવાર સાથે સીધું જોડાણ ધરાવતા વ્યક્તિ સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદા સામે કોઈપણ વ્યક્તિ મોટી નથી અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી યથાવત્ ચાલુ રહેશે. હાલ આરોપીને સંબંધિત પોલીસ મથકને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular