Monday, June 1, 2026
Homeરાજ્યહાલારઅધિક પૂર્ણિમા અને દેવદીવાળીના પાવન અવસરે દ્વારકામાં ઉમટયો ભક્તિસાગર

અધિક પૂર્ણિમા અને દેવદીવાળીના પાવન અવસરે દ્વારકામાં ઉમટયો ભક્તિસાગર

લાખ્ખો શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી : રાત્રિના અંતિમ પ્રહરથી જ ભક્તોની કતાર

યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે પવિત્ર પુરુષોત્તમ માસની પૂર્ણિમા, ઉનાળુ વેકેશન અને રવિવારના સંયોગને કારણે ભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. અધિક પૂર્ણિમાના શુભ અવસરે દ્વારકાધીશ મંદિર ખાતે પરંપરાગત રીતે દેવ દિવાળી મહોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

ગઈકાલે રવિવારે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે જગત મંદિરના દ્વારે પહોંચી ગયા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર હરિભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

અધિક પૂર્ણિમાના વિશેષ ધાર્મિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખી મંદિર તંત્ર દ્વારા ભાવિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મંગળા આરતી સવારે 5 વાગ્યે યોજાઈ હતી, જ્યારે સવારે 5 થી 8 વાગ્યા સુધી વિશેષ મંગળા દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા હતા. અનેક ભક્તોએ રાત્રિના અંતિમ પ્રહરથી જ કતારમાં સ્થાન મેળવી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -

સામાન્ય દિવસોની સરખામણીએ પૂર્ણિમા અને સપ્તાહાંતના દિવસોમાં દ્વારકામાં ભાવિકોની સંખ્યા અનેકગણી વધી જાય છે. આ વખતે અધિક માસની પૂર્ણિમા અને દેવ દિવાળી પર્વ એકસાથે આવતા લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા હતા. મંદિર પરિસર, મુખ્ય માર્ગો અને યાત્રાધામના વિવિધ વિસ્તારોમાં માનવમહેરામણના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભક્તોની ભારે અવરજવર વચ્ચે પણ સમગ્ર આયોજન સુચારૂ રીતે પાર પાડવામાં આવ્યું હતું.

- Advertisement -

ભાવિકોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપતા પોલીસ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા, દર્શન વ્યવસ્થા તેમજ ભીડ નિયંત્રણ માટે ખાસ આયોજન કરવામાં આવતાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાઈ નહોતી. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દેવ દિવાળીના પાવન પર્વે દ્વારકાધામમાં સર્જાયેલા ભક્તિમય માહોલે યાત્રાધામની આધ્યાત્મિક ગરિમાને વધુ ઉજાગર કરી હતી અને શ્રદ્ધાળુઓ માટે આ અવસર યાદગાર બની રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular