Saturday, June 14, 2025
Homeરાજ્યહાલારખનીજ ચોરીના પ્રકરણમાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા

ખનીજ ચોરીના પ્રકરણમાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા

ખંભાળિયા કોર્ટનો ચૂકાદો : પ્રત્યેક આરોપીને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો

ભાણવડના મામલતદાર તેમજ તેમની ટીમ દ્વારા ગત તારીખ 25 સપ્ટેમ્બર 2019 ના રોજ ભરતપુર ગામથી ભેનકવડ તરફ જતા સ્ટેટ હાઈવે પર આકસ્મિક ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભરતપુર ગામના પૂંજા રાજા કારાવદરાએ પોતાના કબજાની ભરતપુર ગામની ખેતીની જમીનમાં બિનઅધિકૃત રીતે લાઈમ સ્ટોન (બેલા પથ્થર)નો રૂ. 39,312 ની કિંમતનો 78 મેટ્રિક ટન જથ્થો સંગ્રહ કર્યો હતો. આ ઉપરાંત અન્ય એક આરોપી એવા ભાણવડ તાલુકાના ઢેબર ગામનો નુરમામદ હાજી હિંગોરાએ અન્ય એક આરોપી એવો ઢેબર ગામનો હુસેન ઉર્ફે પકોડી ઇબ્રાહીમ હિંગોરાના ટ્રક નંબર જી.જે. 10 યુ. 3510 માં અનઅધિકૃત રીતે લાઈમ સ્ટોનનો રૂપિયા 1,01,040 ની કિંમત નો 10 મેટ્રિક ટન જથ્થો વાહન કરી, ચોરી કરીને તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરવા સબબની ધોરણસર ફરિયાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર બી.જે. ડોડીયા દ્વારા ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી હતી.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ સંદર્ભ પોલીસે આઈ.પી.સી. કલમ 379, 114 તથા એમ.એમ.આર.ડી. એક્ટ અને ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઈલલીગલ માઈનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સની કલમ મુજબ કરવામાં આવેલી કાર્યવાહીમાં તપાસનીસ અધિકારી એમ.એ. રાણાની તપાસમાં નામદાર અદાલત સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા આ કેસમાં 11 સાક્ષીઓની તપાસ તેમજ ફરિયાદી અધિકારી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભવદીપભાઈ ડોડીયાની જુબાની તેમજ આરોપીની ખનીજ ચોરી અંગે સાંકળતા પુરાવાઓ ઉપરાંત સ્થાનિક જગ્યાએથી આરોપીઓ રૂબરૂના રોજકામ, કબજે કરેલા મુદ્દામાલ વિગેરે સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી સવિસ્તૃત દલીલોને ગ્રાહ્ય રાખીને મેજિસ્ટ્રેટ એસ.જી. મનસુરીએ આરોપી પૂંજા રાજા કારાવદરા, નુરમામદ હાજી હિંગોરા અને હુસેન ઉર્ફે પકોડી ઈબ્રાહીમ હિંગોરાને તકસીરવાન ઠેરવીને જુદા જુદા ગુનાઓમાં ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ પ્રત્યેક આરોપીને રૂપિયા દસ-દસ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular