ખંભાળિયાથી યાત્રાધામ દ્વારકા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે પદયાત્રીઓનો પ્રવાહ જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ પર રાત્રિના સમયે કેટલાક શખ્સો આર્ટિગા મોટરકારના દરવાજા ખોલીને ઇંગ્લેન્ડ જોખમી સ્ટંટ કરી રહ્યા હોવાના વિડીયો મીડિયામાં વાયરલ થયા હતા આ ગંભીર બનાવને અનુલક્ષીને અહીંના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ટ્રાફિક પોલીસે હરકતમાં આવી અને આવા સ્ટંટબાજોની શોધખોળ આદરી હતી.

અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફીક શાખાના પી.એસ.આઈ. વી.એમ. સોલંકી દ્વારા ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમો બનાવીને દ્વારકામાં ફૂલડોલ ઉત્સવના અનુસંધાને પદયાત્રીઓ ચાલીને દ્વારકા જતા હોય, જેથી હાઈવે ઉપર સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે જાહેરમાં એક કારમાં સ્ટંટ કરતાં નબીરાઓ અંગેના ઉપરોક્ત અહેવાલોને અનુલક્ષીને ટ્રાફિક પીએસઆઈ વી.એમ. સોલંકી તથા તેમની ટીમ દ્વારા ખંભાળિયા – દ્વારકા નેશનલ હાઈવે રોડ, કુવાડીયા પાટીયા નજીકનો હોવાનું જણાય આવેલ હોય, જેથી ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરીને વી.એમ.સોલંકી તથા એ.એસ.આઈ. કાબાભાઈ ચાવડા, એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ દેવરાભાઈ પંડત, ખંભાળિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ થાનકી, કોન્સ્ટેબલ કરણભાઈ નાંઘાએ ખંભાળિયા ખાતેથી આ ચારેય શખ્સોને કાર સાથે ઝડપી લઈ, ધોરણસર કાર્યવાહી કરીને તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું.