જામનગર સહિત હાલાર પંથકમાં આજરોજ હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે. આજે રાત્રે હોલિકા દહન બાદ આવતીકાલે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણીને લઇ બાળકો, યુવાઓમાં અનેરો ઉત્સાહ છવાયો છે. હોળીના પર્વને લઇ જામનગરમાં ધાણી, દાળિયા, ખજુર પતાસા સહિતની વસ્તુઓનું વેચાણ વધ્યું છે. જામનગરમાં ભોય સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં 25 ફુટ ઉચાઇનું હોલિકાનું પૂતળું તૈયાર કરાયું છે જેને નિહાળવા આજે લોકો મોટી સંખ્યામાં ઉમટશે. આ ઉપરાંત જામનગર શહેરમાં અનેક સ્થળોએ હોલિકા દહન યોજાશે.

રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણીને લઇ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. ફાગણ સુદ પૂનમના રોજ હોળી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. હોળીના પર્વને હુતાસણીથી પણ ઓળખવામાં આવે છે. હોળીનો બીજો દિવસ રંગોનું પર્વ એટલે કે, ધૂળેટીને ‘પડવો પણ કહેવાય છે’ હોળી-ધૂળેટી પર્વની ઉજવણીને લઇ શહેરીજનોમાં અનેરો થનગનાટ છવાયો છે. દ્વારકાધિશ જગતમંદિરે ફુલડોલ ઉત્સવ ઉજવાશે. જેને લઇ અસંખ્ય શ્રધ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા છે. અનેક લોકો પદયાત્રા કરીને પણ દ્વારકા પહોંચ્યા છે. આજે જામનગર શહેરમાં ઠેર-ઠેર હોલિકા દહનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં ભોઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા 69માં વર્ષ હોલિકા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે છેલ્લા એક મહિનાથી તૈયારી થઇ રહી છે. ઘાસ, લાકડું, કોથળા, કપડાં સહિતની ચીજવસ્તુઓ ઉપયોગ વડે અંદાજે 3 થી 4 ટનના લગભગ રપ ફુટ ઉચાઇનું પૂતળું તૈયાર કરાયું છે. આ ઉપરાંત જામનગર શહેરમાં અનેક શેરી ગલીઓમાં હોલિકા દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે હોળીના પર્વ નિમિતે બહેનો દ્વારા હોળીનું વ્રત કરી સાંજે હોલિકાની પ્રદક્ષિણા કરવામાં આવશે. જેમાં શ્રીફળ, ધાણી, ખજુર સહિતની વસ્તુઓ હોમવામાં આવશે.આ ઉપરાંત બાળકની પ્રથમ હોળીએ પતાસાનો હાર પહેરાવી હોલિકાની પ્રદક્ષિણા કરાવાશે. આ પરંપરા ગ્રામ્ય વિસ્તારોમાં અકબંધ છે. પરંતુ શહેરમાં બદલાવ આવ્યો છે. આધુનિક સમયમાં અવનવી સ્ટાઇલના હારડા બજારમાં ઉપલબ્ધ છે. જેમાં પતાસા ઉપરાંત ચોકલેટ, બિસ્કીટ, ધાણી, દાળિયા સાથે વિવિધ પ્રકારના હારડા બજારમાં જોવા મળી રહયા છે. આ ઉપરાંત પતાસા, ખજૂર, ધાણી, દાળિયા સહિતની ચીજવસ્તુઓનું પણ બજારમાં ધુમ વેચાણ થઇ રહયું છે.
આજે રાત્રે હોલિકા દહન બાદ આવતીકાલે સવારથી રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. ધૂળેટી પર્વને લઇ બજારોમાં વિવિધ પ્રકારના રંગો, સ્પ્રે, પિચકારીઓ સહિતની વસ્તુઓની પણ લોકો ખરીદી કરી રહયા છે. જામનગર શહેરમાં બાળકો, યુવાઓ આવતીકાલે ધૂળેટી પર્વની મનભરીને ઉજવણી કરશે. શહેરમાં પાર્ટી પ્લોટો તેમજ હાઇવે પર હોટલોમાં ધૂળેટીની ઉજવણીના આયોજન થયા છે. જેને લઇ યુવાધનમાં અનેરો ઉત્સાહ છવાયો છે. આ ઉપરાંત મંદિરોમાં ફુલડોલ ઉત્સવની ઉજવણી થશે.
આવતીકાલે જામનગરમાં ઠેર-ઠેર ધૂળેટી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાસ રસિયા ગ્રુપ દ્વારા ‘ખબર ગુજરાત’ મીડિયા પાર્ટનર સંગાથે ‘રંગ લગા દે…2.0‘ મેગા પુલ પાર્ટીનું ઓમ શાંતિ કાફે એન્ડ રેસ્ટોરન્ટ રણજીતસાગર રોડ કનકેશ્વરી કોલેજ સામે, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાસ રસિયા ગ્રુપ દ્વારા આયોજિત કુલ નવમી અને હોળીની આ સતત બીજી ઇવેન્ટમાં ‘ખબર ગુજરાત’ મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલું છે. આવતીકાલે સવારે 9-30 કલાકથી આ ઇવેન્ટનો પ્રારંભ થશે. જેમાં શિંવાગી નેગી અને કરીશ્મા મસ્કે જેવા સેલિબ્રીટી એન્કર મોડલ, ડીજે હાર્દિક, પ્રખ્યાત ઢોલી અખ્તીયારની સાથે-સાથે ઓર્ગેનિક કલર, લાઇવ ડી.જે., સેલ્ફલ બુથ સહિતના આકર્ષણો તો છે જ આ સાથે આ ઇવેન્ટની ખાસ વિશેષતચા એ છે કે, અહીં 3 સ્વીમીંગ પુલ ઉપલબ્ધ છે. જેમાં માત્ર મહિલાઓ માટે પરિવાર અને બાળકો માટે તથા બેચલર એમ 3 પુલ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઇ સીસીટીવી કેમેરા, સિકયુરિટી, બાઉન્સર, મહિલા સિકયુરિટી સહિતની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.