Thursday, June 25, 2026
Homeરાજ્યજામનગરવિકાસના નામે બેદરકારી! જામનગરમાં જીવલેણ ખાડાઓ દ્વારા અકસ્માતના આમંત્રણ - VIDEO

વિકાસના નામે બેદરકારી! જામનગરમાં જીવલેણ ખાડાઓ દ્વારા અકસ્માતના આમંત્રણ – VIDEO

મનપા અને કોન્ટ્રાક્ટરોની આંખ આડા કાનની નીતિ સામે ઉઠ્યો રોષ

જામનગર શહેરમાં વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે નાગરિકોની સુરક્ષા ગંભીર રીતે જોખમાઈ રહી હોવાનું ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, પરંતુ આ કામગીરી દરમિયાન સલામતીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વિકાસના નામે રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ત્યાં જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવતી નથી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

- Advertisement -

શહેરમાં પ્રવેશતા સમર્પણ સર્કલથી થોડા આગળ સીએનજી પેટ્રોલ પંપ નજીક સમર્પણ ફ્લાયઓવર સંબંધિત કામગીરી માટે રોડની સાઈડમાં ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે. જોકે હાલ ત્યાં કોઈ કામગીરી ચાલતી ન હોવા છતાં ખાડો ખુલ્લો જ પડ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સ્થળે કોઈ પ્રકારના બેરીકેડ, ચેતવણી બોર્ડ, રિફ્લેક્ટર, લાઈટિંગ કે અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ જોવા મળતી નથી. જેના કારણે આ વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો છે.

થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે સીએનજી પંપમાંથી નીકળેલી એક કાર અચાનક આ ખુલ્લા ખાડામાં ખાબકી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નહોતી, પરંતુ આ ઘટના તંત્રની બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. જો કારમાં બાળકો અથવા પરિવારના અન્ય સભ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કોઈનો જીવ જાય પછી જ તંત્ર જાગશે?

- Advertisement -

વિકાસના કામો માટે કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ સલામતીના નિયમોનું પાલન કરાવવા માટે કોઈ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. કામ શરૂ કરી દેવું અને પછી સ્થળને ભગવાન ભરોસે છોડી દેવું જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડ ખોદીને ખુલ્લા મૂકી દેવામાં આવે છે, પરંતુ ત્યાં અકસ્માત રોકવા માટેના પ્રાથમિક પગલાં પણ લેવામાં આવતા નથી.

- Advertisement -

આ મામલે માત્ર કોન્ટ્રાક્ટરો જ નહીં પરંતુ જામનગર મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. વિકાસ કાર્યોની દેખરેખ રાખવાની અને સલામતીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની જવાબદારી મનપાના અધિકારીઓની છે. છતાં અનેક સ્થળોએ ખુલ્લી બેદરકારી જોવા મળી રહી છે. અધિકારીઓ દ્વારા સમયાંતરે સ્થળ નિરીક્ષણ કરવામાં આવે છે કે નહીં તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે.

નાગરિકોનો આક્ષેપ છે કે મનપા વિકાસના કામોના ઉદ્ઘાટન અને જાહેરાતોમાં વ્યસ્ત છે, પરંતુ લોકોની સુરક્ષા પ્રત્યે ગંભીરતા દાખવવામાં નિષ્ફળ રહી છે. શહેરમાં ચાલતા અનેક પ્રોજેક્ટો ટ્રાફિક માટે માથાનો દુખાવો બની રહ્યા છે અને અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે. રસ્તાઓ પર અવ્યવસ્થિત ખોદકામ, ખુલ્લા ખાડાઓ અને સુરક્ષા સાધનોના અભાવે વાહનચાલકો સતત જોખમ વચ્ચે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે આવા સ્થળોએ તાત્કાલિક અસરથી મજબૂત બેરીકેડ, ચેતવણી સૂચક બોર્ડ, રિફ્લેક્ટર અને રાત્રિના સમયે લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ સલામતીના નિયમોનું પાલન ન કરતા કોન્ટ્રાક્ટરો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને બેદરકારી દાખવનારા અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવે.

વિકાસ જરૂરી છે, પરંતુ નાગરિકોના જીવના ભોગે નહીં. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આજે ખાડામાં ખાબકતી કાર કાલે કોઈ નિર્દોષ નાગરિકનો જીવ પણ લઈ શકે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જામનગર મહાનગરપાલિકા અને સંબંધિત તંત્ર ઊંઘમાંથી જાગે તેવી લોકમાગણી દિવસેને દિવસે વધુ પ્રબળ બની રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular