Wednesday, July 15, 2026
Homeરાજ્યહાલારચંદ્રાગામાં એકસાથે ત્રણ-ત્રણ મંદિરોમાંથી લાખોના આભૂષણો ચોરાયા

ચંદ્રાગામાં એકસાથે ત્રણ-ત્રણ મંદિરોમાંથી લાખોના આભૂષણો ચોરાયા

જામનગર તાલુકાના ચંદ્રાગા ગામમાં આવેલા ચામુંડા માતાજીના પૌરાણિક મંદિરમાંથી અજાણ્યા તસ્કરોએ સોના-ચાંદીના છત્તરની ચોરી કરી હતી. તેમજ ખોડિયાર માતાજીના મંદિરમાંથી પીત્તળનો ઘંટ ચોરી ગયા હતાં. ઉપરાંત વાકોલ માતાજીના મંદિરમાંથી સોનાની ધાતુનું ફરૂ ચોરી ગયાના બનાવમાં પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -

તસ્કરોના તરખાટની વિગત મુજબ જામનગર શહેરમાં નવાગામ ઘેડમાં રહેતાં યશ ગિરીશભાઇ પરમાર (ઉ.વ. 27) નામના યુવાનના કૌટુંબિક પરિવારનું ચંદ્રાગા ગામમાં આવેલ પૌરાણિક ચામુંડા માતાજીના મંદિરમાં ગત્ તા. 14 જૂનથી 11 જુલાઇ સુધીના સમય દરમ્યાન અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને ચામુંડા માતાજીના મંદિરમાંથી રૂપિયા 80 હજારની કિંમતના પંચધાતુના બે કિલોના છત્તર તથા રૂપિયા 20 હજારની કિંમતનું સોનાનું એક છત્તર મળી એક લાખની કિંમતના પંચધાતુના છત્તરની ચોરી કરી ગયા હતાં. તેમજ ચંદ્રાગા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાંથી રૂા. 10 હજારની કિંમતનો સાડા ચૌદ કિલો વજનનો પીત્તળ ધાતુનો ઘંટ પણ ચોરી કરી ગયા હતા.

બે મંદિરોમાં ચોરી કર્યા બાદ તસ્કરોએ તરખાટ મચાવી ચંદ્રાગા ગામમાં જ આવેલા વાકોલ માતાજીના પૌરાણિક મઢમાંથી રૂા. બે લાખની કિંમતનું બે તોલા વજનનું સોનાનું ફરૂ (થળો)ની ચોરી કરી ગયા હતા. આ ચોરી અંગેની યશ પરમાર દ્વારા જાણ કરાતા પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો. જે જે મંદિરોમાં ચોરી થઇ તે તે મંદિરોની આજુબાજુના સીસીટીવી ફુટેજો તપાસવા તથા ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે એકસાથે ત્રણ-ત્રણ મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular