દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીને થોડા સમય પૂર્વે ફેસબુકના માધ્યમથી ઓછા દરે પી.એમ. મુદ્રા લોન અપાવવાની બાબતે કોઈ ગઠિયા દ્વારા ચોક્કસ રકમ મેળવી લઈને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગેની જાણ ભોગ બનનાર દ્વારા અહીંના સાઇબર ક્રાઇમ પોલીસ મથકને કરવામાં આવતા આ પ્રકરણને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સાયબર સેલ વિભાગના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા ગુનાના મૂળ સુધી પહોંચી અને આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.
તેમજ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સાયબર પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે મહેસાણા જિલ્લાના રહીશ અને મૂળ રાજકોટના આશિષ રામજીભાઈ તલસાણીયા નામના 38 વર્ષના શખ્સને દબોચી લીધો હતો. પોલીસને પ્રાપ્ત થયેલી વધુ વિગત મુજબ આરોપી પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હોવાથી તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુક મારફતે લોન મેળવવા અંગેની ફેક પ્રોફાઈલ બનાવીને તેના ઉપર ફેક જાહેરાતો મૂકી, વિશ્વાસમાં આવી ગયેલા લોકો સાથે વોટ્સએપ મારફતે વાત કરીને ઓનલાઇન પેમેન્ટ મેળવી, છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ પ્રકરણમાં પોલીસે બેંક એકાઉન્ટ સહિતની જુદી જુદી માહિતી કબજે કરી, આગળની તપાસ પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.