જામનગર શહેરમાં મૂંગા પશુઓ પર વધી રહેલી ક્રૂરતાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉદ્યોગ આવાસ વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા શ્વાનને ઢોર માર મારીને બીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં શ્વાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પગલે જીવદયા પ્રેમીઓ અને પશુ કલ્યાણ માટે કાર્યરત સંસ્થાઓમાં ભારે રોષ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ ઉદ્યોગ આવાસ વિસ્તારમાં રહેતા પપ્પુ નામના વ્યક્તિએ એક નિર્દોષ શ્વાન સાથે અત્યંત ક્રૂર વર્તન કર્યું હતું. આરોપીએ પહેલા શ્વાનને માર માર્યો અને બાદમાં તેને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. ઘટનામાં શ્વાનને ગંભીર ઈજા પહોંચતા સ્થાનિક જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક શ્વાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પશુ કલ્યાણ માટે કાર્યરત દર્શના એનિમલ વેલફેર સંસ્થાના કાર્યકરો હરકતમાં આવ્યા હતા. સંસ્થાના પ્રતિનિધિ આકાશ ચાવડાના જણાવ્યા મુજબ આ વ્યક્તિ દ્વારા આ પ્રથમ વખત અત્યાચાર કરવામાં આવ્યો નથી. બે દિવસ અગાઉ પણ આરોપીએ એક ગલુડિયાને માર મારતા તેનો પગ ભાંગી નાખ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘટનાને લઈને દર્શના એનિમલ વેલફેરના કાર્યકરો અને સ્થાનિક જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં જામનગરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોલીસ સમક્ષ લેખિત રજૂઆત કરી આરોપી સામે પશુ ક્રૂરતા અધિનિયમ સહિતની સંબંધિત કલમો હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
સંસ્થાના પ્રતિનિધિ આકાશ ચાવડાએ જણાવ્યું હતું કે, “મૂંગા પશુઓ પર અત્યાચાર કરનાર વ્યક્તિ સામે એવી કડક કાર્યવાહી થવી જોઈએ કે સમગ્ર સમાજ માટે તે એક દાખલો બને. ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ નિર્દોષ પશુઓ પર હાથ ઉઠાવતા પહેલાં અનેક વખત વિચારે. પ્રાણીઓ પ્રત્યે દયા, કરુણા અને સંવેદનાની ભાવના વિકસે તે સમયની જરૂરિયાત છે.”
View this post on Instagram
બીજી તરફ બી-ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અધિકારીઓએ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી જરૂરી પુરાવાઓના આધારે FIR નોંધવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં પશુઓની સુરક્ષા અને પશુ ક્રૂરતા વિરુદ્ધ કડક અમલવારીની જરૂરિયાત અંગે ચર્ચા જગાવી છે. જીવદયા પ્રેમીઓએ આરોપી સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.


