જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાંથી પસાર થતાં યુવાનને કુખ્યાત શખ્સે આંતરીને ખોટી બોલાચાલી કરી લાકડાના ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નંબર 10 અને રોડ નંબર 3/4 વિસ્તારમાં રહેતાં વેપારી ભદ્રેશભાઇ તુલસીદાસ ગોકાણી નામના યુવાન ગત્ તા. 21ના રોજ સાંજના સમયે પટેલ કોલોની શેરી નંબર નવમાંથી મસાલો લઇને ઘરે જતા હતા ત્યારે દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન મંગળસિંહ ચૌહાણ નામના શખ્સે વેપારીને આંતરીને ખોટી રીતે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. જેથી વેપારીએ ખોટો ઝઘડો કેમ કરશ? તેમ જણાવતાં ઉશ્કેરાયેલા દીવલાએ લાકડાના ધોકા વડે વેપારીના માથા તથા પગમાં હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ દીવલા વિરૂઘ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.