ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા પ્રૌઢાએ તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. ખંભાળિયાના પાંચ હાટડી ચોક વિસ્તારમાં રહેતાં યુવાનને નિદ્રાધિન હાલતમાં પંખાના વાયરમાં વીજશોક લાગતા મોત નિપજયું હતું. ખંભાળિયાના સિઘ્ધપુર ગામમાં રહેતા યુવાનનું કેન્સરની બિમારી સબબ મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આંબાવાડી સ્કૂલ નજીક રહેતા જયાબેન રમેશભાઈ શિવલાલ દુધૈયા નામના 52 વર્ષના પ્રૌઢ મહિલાએ ગઈકાલે શુક્રવારે પોતાના ઘરે છતના પીઢીયામાં સાડી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર રવિભાઇ દ્વારા જાણ કરાતા ખંભાળિયા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ ખંભાળિયાના પાંચ હાટડી ચોક વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જેઠાભાઈ ચાંડેગરા નામના 45 વર્ષના યુવાન ગત તારીખ 11 જૂનના રોજ રાત્રિના દસેક વાગ્યાના સમયે પોતાના ઘરે ઈલેક્ટ્રીક ટેબલ ફેન પોતાની બાજુમાં રાખી અને સુતા હતા, તે દરમિયાન આ પંખાના વાયરમાંથી તેમને જોરદાર વિજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના ભાઇ શાંતિલાલ દ્વારા કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામમાં રહેતાં જમનભાઇ દેવાભા નકુમ (ઉ.વ. 44) નામના યુવાનને થોડાં સમયથી કેન્સરની બિમારી થઇ હતી. આ બિમારી સબબ તબિયત લથડતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ અજુભાઇ દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.