અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનથી સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ તેમજ તેમના પત્ની અંજલીબેન અમદાવાદ પહોંચ્યા હતાં. અનેક આગેવાનો ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે અને તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે.
ડી.એન.એ. સેમ્પલ મેચ થયા બાદ અંતિમ વિધિની તારીખ જાહેર કરવામાં આવશે. રાજકોટ ખાતે અંતિમ યાત્રા યોજવામાં આવશે. વિજયભાઈના વતન રાજકોટ ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આજે બપોરે 2 વાગ્યા સુધી સ્વૈચ્છિક અડધો દિવસ બજારો બંધનો નિર્ણય વિવિધ સંસ્થાઓ અને મંડળોએ જાહેર કર્યો હતો. જેમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, શહેર કોંગ્રેસ સમિતિ, રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન, ગુડઝ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, હોલસેલ ટેકસટાઈલ્સ મરચન્ટ એસો., લાખાજીરાજ રોડ મર્ચન્ટ એસો., હોર્ડિંગ એસો. તેમજ અન્ય મંડળોએ વિજયભાઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા અડધો દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત ખાનગી તેમજ ગ્રાન્ટેડ શાળાઓ પણ એક દિવસ કાર્ય બંધ રાખી વિજયભાઈને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.