જામનગર શહેરમાં વધુ એક સાત વર્ષની બાળકી સહિત નવા નવ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે જામનગરમાં કોરોનાના કુલ કેસોનો આંકડો 100ને પાર થઇ ચૂક્યો છે. હાલમાં કુલ 50 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
જામનગર સહીત દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધતું જઇ રહ્યું છે. અગાઉના પ્રમાણમાં કોરોના વાઇરસ ઓછો ખતરનાક હોવાનું અત્યાર સુધીના પોઝિટિવ કેસના તારણો ઉપરથી દેખાઇ રહ્યું છે. જેને લઇ હાલમાં દર્દીઓને માત્ર હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવી રહ્યાં છે. ગુજરાતના લગભગ તમામ મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે. જામનગર શહેરમાં પણ કોરોનાએ માથુ ઉંચકતાં અત્યાર સુધીમાં કોરોનાની સદી થઇ ચૂકી છે. જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 24 કલાકના જાહેર કરેલ આકડામાં નવા નવ કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં આઠ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 104 થઇ છે. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં આનંદબાગ વિસ્તારમાં 59 વર્ષના વૃધ્ધ, ભાટની આંબલી વિસ્તારમાં 75 વર્ષના વૃધ્ધા, સરુસેકશન રોડ પર 7 વર્ષની બાળકી, મિગ કોલોનીમાં 76 વર્ષના વૃધ્ધા, તુલસી પાર્ટી પ્લોટમાં 28 વર્ષ તથા 57 વર્ષના મહિલા, હાપા રેલવે કોલોનીમાં 31 વર્ષનો યુવાન તથા ચાંદીબજારમાં 28 વર્ષની યુવતિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં આઠ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 54 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે અને હાલમાં કુલ 50 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. દેશભરમાં વધતાં કોરોનાને લઇ સાવચેતી જરુરી બની રહી છે અને આગામી સમયમાં માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્ટ પણ આવશ્યક બનતું જાય છે.