દેશમાં રિટેલ મોંઘવારીમાં રાહત મળી છે. ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી 4 ટકાથી પણ નીચે ઘટીને 3.61 ટકા થઈ છે. જે છેલ્લાં 7 મહિનાના સૌથી નીચલા સ્તરે છે સાથે સાથે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારા નોંધાયો છે. જેને કારણે આરબીઆઈની આગામી પોલીસીના વ્યાજદરમાં વધુ ઘટાડાનો માર્ગ મોકળો થયો છે.

શાકભાજી અને ફળોના ભાવમાં ઘટાડાના કારણે રિટેલ મોંઘવારીનો દર ઘટ્યો હોવાનું કેન્દ્ર સરકાર દ્વારા જારી સત્તાવાર આંકડાઓ પરથી જાણવા મળ્યું છે. આ ઘટાડા સાથે ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત રિટેલ ફુગાવો 4 ટકાથી ઘટ્યો છે. ફુગાવાના આંકડા અર્થશાસ્ત્રીઓના અંદાજ 3.8 ટકા કરતાં પણ ઘટ્યા છે.
રિટેલ ફુગાવો ફેબ્રુઆરી, 2025માં 3.61 ટકા સાથે સાત માસના તળિયે પહોંચ્યો છે. જે અગાઉ ઑગસ્ટમાં 3.65 ટકા નોંધાયો હતો. ત્યારબાદ સતત 4થી 6 ટકાની રેન્જમાં રહ્યો હતો. ગતમહિને જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો 4.31 ટકા રહ્યો હતો. શાકભાજી, ફળો, પ્રોટીનયુક્ત પદાર્થોના ભાવમાં ઘટાડાના પગલે રિટેલ મોંઘવારી ઘટી છે. બીજી તરફ આઈઆઈપી એટલે કે ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ વધીને પાંચ ટકાએ પહોંચી ગયું છે. જે ગત મહિને 3.2 ટકા હતું તેવી જ રીતે મેન્યુફેકચરીંગ આઉટપુટ એટલે કે ઔદ્યોગિક ઉત્પાદનનો દર 5.5 ટકાએ પહોંચી ગયો છે. જે આગલા મહિને 3 ટકા હતો આમ મોંઘવારીમાં ઘટાડો અને ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો રિઝર્વ બેન્ક માટે વ્યાજદરમાં ઘટાડો કરવાનો માર્ગ મોકળો કરે છે.