જામજોધપુર તાલુકાના જામવાડી ગામના રાજકીધાર સીમ વિસ્તારમાંથી પોલીસે ઇનોવા અને સ્કોર્પિયો બે કારની તલાશી લેતાં તેમાંથી 345 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતાં રૂા. 14.56 લાખનો મુદામાલ કબ્જે કરી બૂટલેગરની શોધખોળ આદરી હતી. જામનગરના સ્વામીનારાયણ નગર ગ્રીન સીટીમાંથી પોલીસે એક શખ્સને દારૂની બોટલો અને ચપલા સાથે ઝડપી લઇ રૂા.13333નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ જામજોધપુર તાલુકાના જામવાડી ગામના રાજકીધાર સીમ વિસ્તારમાં મોટરકારમાં દારૂની હેરફેર થતી હોવાની જામજોધપુરના એએસઆઇ લખમણભાઇ ચાવડા, પો.કો. સામતભાઇ ચંદ્રાવડીયા તથા પો.કો. અશોકભાઇ ગાગીયાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા રવિમોહન સૈનીની સુચનાને લાલપુર વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન મુજબ જામજોધપુર પીઆઇ એન.બી. ચૌહાણ, એએસઆઇ લખમણભાઇ ચાવડા, સુરેશભાઇ પરમાર, પો.કો. અશોકભાઇ ગાગીયા, સામતભાઇ ચંદ્રાવડીયા સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન જીજે 03 સીઆઇ 2748 નંબરની ઇનોવા તથા જીજે25 જે 9902 નંબરની સ્કોપીર્યોમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે રૂા.2,51,799ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ભરેલ 28 બોકસ તથા 9 છુટી બોટલ સહિત કુલ 345 બોટલ તથા રૂા.6,50,000ની કિંમતની જીજે03 સીઆર 2748 તથા રૂા.5,50,000ની કિંમતની જીજે25 જે 9902 નંબરની મોટરકારો, રૂા.5000ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.14,56,799નો મુદામાલ કબ્જે કર્યો હતો.
બીજો દરોડો જામનગરના સ્વામીનારાયણ નગર ગ્રીન સીટી મામાસાહેબના મંદિર પાસેથી સીટી બી પોલીસે દિવ્યરાજસિંહ જુવાનસિંહ વાળા નામના શખ્સને રૂા.5800ની કિંમતની 6 નંગ દારૂની બોટલ, રૂા.5700ની કિંમતના 19 નંગ ચપલા તથા 1833ની કિંમતના 12 નંગ બીયરના ટીન સહિત કુલ રૂા.13333ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.


