Monday, June 1, 2026
Homeવિડિઓયાત્રાધામ દ્વારકામાં ટ્રાફિકનો ત્રાસથી લોકો ત્રહિમામ- VIDEO

યાત્રાધામ દ્વારકામાં ટ્રાફિકનો ત્રાસથી લોકો ત્રહિમામ- VIDEO

જીવતા માણસથી લઈને અંતિમ યાત્રા સુધી સૌ પરેશાન -

વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં છેલ્લા એક મહિનાથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકો અને યાત્રાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો, ગલીઓ અને બજાર વિસ્તારોમાં દિવસભર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાથી સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે.

- Advertisement -

પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે સ્મશાન તરફ જતો માર્ગ પણ ટ્રાફિકના કારણે અવરોધિત બનતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ઓખા નગરપાલિકાની અંતિમ યાત્રા માટે ઉપયોગમાં લેવાતી બસ પણ ટ્રાફિકમાં ફસાઈ જતા અંતિમ યાત્રામાં સામેલ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે લોકોમાં તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ દ્વારકાની ગલીઓ અને મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતી વ્યવસ્થા જોવા મળતી નથી. અનેક સ્થળોએ વાહનોની લાંબી કતારો લાગી જતી હોવાથી પદયાત્રીઓ માટે પણ રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને વેકેશન, રજાના દિવસો અને ધાર્મિક પ્રસંગોમાં શહેરમાં સ્થિતિ વધુ વિકટ બની જાય છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે તંત્ર સામાન્ય ટ્રાફિક વ્યવસ્થાની જગ્યાએ વીઆઈપી આગમન અને તેમની સગવડો જાળવવામાં વધુ વ્યસ્ત રહે છે. જ્યારે કોઈ નેતા અથવા વિશિષ્ટ મહાનુભાવ શહેરમાં આવે ત્યારે સામાન્ય જનતાની અવરજવર અને સુવિધાઓ પાછળ ધકેલાઈ જતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

- Advertisement -

બીજી તરફ, દ્વારકા નગરપાલિકા દ્વારા પાર્કિંગ ચાર્જની વસૂલાત પર વધુ ભાર મુકાતો હોવાનો પણ લોકોમાં રોષ છે. ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂરતા પ્રયાસો ન થતાં સ્થાનિકો તેમજ યાત્રાળુઓમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે. ટ્રાફિક જામના કારણે હજારો વાહનો કલાકો સુધી રસ્તાઓ પર અટવાઈ રહેતા હોવાથી લાખો લિટર ઇંધણનો બિનજરૂરી વપરાશ થઈ રહ્યો છે. સાથે સાથે વાહનોમાંથી નીકળતા ધુમાડાના કારણે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે. ધાર્મિક અને પ્રવાસન દ્રષ્ટિએ મહત્વ ધરાવતા દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને લઈને ઊભા થયેલા પ્રશ્નો હવે ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિકો તંત્ર પાસે અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વ્યવસ્થાનું યોગ્ય આયોજન અને યાત્રાળુઓને સરળ અવરજવર મળી રહે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular