જામનગર શહેરમાં સતત બે દિવસથી મહતમ તાપમાનનો પારો 38.5 ડિગ્રીએ સ્થિર થયો છે. જેના પગલે અંગ દઝાડતા તાપ અને ઉકળાટથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને ગરમીથી બચવા બપોરના સમયે બિનજરૂરી બહાર નિકળવાનું પણ ટાળી રહયા છે.

જામનગરમાં આવતીકાલે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે હોળી ધૂળેટીના પર્વ પૂર્વે જ માર્ચ મહિનાના બીજા સપ્તાહથી જ મહત્તમ તાપમાન વધતું જઇ રહ્યું છે. છેલ્લા બે દિવસથી મહતમ તાપમાન 38.5 ડિગ્રી જોવા મળી રહયું છે. આજે સવારે પુરા થતાં 24 કલાક દરમ્યાન કલેકટર કચેરીના કંટ્રોલ રૂમ અને બાજરા સંશોધન કેન્દ્રના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન 38.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 20 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 62 ટકા તથા પવનની ગતિ 8.4 કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી.
સતત બે દિવસથી મહતમ તાપમાનનો પારો 38.5 ડિગ્રી નોંધાતા શહેરીજનો આકરી ગરમીથી પરેશાન થયા છે. ખાસ કરીને બપોરના સમયે આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેઓ શહેરીજનોએ અહેસાસ કર્યો હતો. આકરા તાપને પરિણામે જનજીવન પ્રભાવિત થયું હતું અને બપોરના સમયે શહેરીજનો બિનજરૂરી રીતે બહાર નિકળવાનું ટાળ્યું હતું. બફારા અને ઉકળાટથી લોકો આકુળ-વ્યાકુળ થયા હતા. ગરમીથી બચવા એસી, પંખા અને કુલર જેવા સાધનોનો સહારો લઇ રહયા છે. આ ઉપરાંત છાશ, લસ્સી, લીંબુ સરબત, શેરડીનો રસ જેવા ઠંડા પીણાની માંગ પણ વધતી જઇ રહી છે. માનવીઓની સાથે-સાથે પશુ-પક્ષીઓ પણ ગરમીના પરિણામે પરેશાન થતાં જોવા મળી રહયા છે.