કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતી મહિલાને તેણીની માતા સાથે માલઢોરને પાણી પીવડાવવાની બાબતે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતાં ગેસની ટીકડી પી લઇ આપઘાત કર્યો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકાના વીરપુર ગામમાં રહેતા વૃઘ્ધ વાડીના કૂવામાંથી પાણી ભરવા જતાં સમયે પડી જતાં ડૂબી જવાથી મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા લીલાબેન સંજયભાઈ લખુભાઈ ચૌહાણ (ઉ.વ. 30) નામની મહિલાને તેમના માતા સાથે માલઢોરને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ગેસના ટીકડા પી લેતા તબીયત લથડતા સારવાર માટે હોસ્પિલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જીવણભાઈ દ્વારા જાણ કરાતા કલ્યાણપુર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ કલ્યાણપુર તાલુકાના વિરપુર ગામે રહેતા બોઘાભાઈ જગુભાઈ મકવાણા ગામના 60 વર્ષના વૃદ્ધ તા. 8 જુનના રોજ તેમની વાડીના કુવામાં પાણી ભરવા જતા અકસ્માતે તેઓ કુવામાં પડી ગયા હતા. જેથી તેમને સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર રામભાઈ દ્વારા જાણ કરાતા કલ્યાણપુર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.