જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત અને ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 17 વર્ષથી લઇને 62 વર્ષ સુધીના 4 મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કુલ કોરોના કેસની સંખ્યા 84 સુધી પહોંચી ગઇ છે.

દેશભરમાં કોરોનાનો કહેર અવિરત ફેલાતો જાય છે. આ સંક્રમણના કારણે દેશભરમાં અત્યાર સુધીમાં અંદાજે આઠ વ્યક્તિઓના મોત નિપજયા છે. ગુજરાતમાં પણ કોરોના ધીમે ધીમે સંક્રમણ વધારતો જાય છે. જો કે, આ વખતના કોરોનામાં મહદ્અંશે પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. જામનગર શહેરમાં રાજ્યની સાથે સાથે કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. જામનગરમાં વકરતો જતો કોરોનામાં ડેન્ટલ કોલેજમાં સૌથી વધુ સંક્રમણ ફેલાવ્યું છે. આ સરકારી કોલેજમાં અડધો ડઝનથી વધુ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમીત થયા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં 4 વ્યકિતઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 17 વર્ષની સગીરાથી લઇને 62 વર્ષના વૃઘ્ધાનો સમાવેશ થાય છે. આ કોરોના પોઝિટિવમાં ઇન્દ્રદીપ સોસાયટીમાં રહેતી 23 વર્ષીય યુવતી, રણજિતસાગર રોડ પર આવેલા રઘુવીર પાર્કમાં રહેતી 17 વર્ષીય સગીરા અને પટેલ કોલોની વિસ્તારમાં રહેતા 62 વર્ષના વૃદ્ધા તેમજ શ્રીનિવાસ કોલોનીમાં રહેતાં 58 વર્ષીય પ્રૌઢાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં નવા ઉમેરાયેલા ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ બાદ કોરોનાનો કુલ આંકડો 84 થઇ ગયો છે. તેમજ ગઇકાલે 7 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 32 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ હોમ આઇસોલેશનમાં 52 દર્દીઓ સારવાર હેઠળ છે.