જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં ગઈકાલે ગેરકાયદેસર લોખંડની સીડી હટાવવા ગયેલ જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના અધિકારીની ફરજમાં રૂકાવટ કરી આરોપીએ ફિનાઈલ પી જામ્યુકોના અધિકારીની કાર્યવાહીમાં ફરજ રૂકાવટ કર્યા અંગે સિટી એ ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના નીતિન દિક્ષીત સહિતના અધિકારીઓ બર્ધન ચોક વિસ્તારમાં આવેલ મોટી ફળીમાં નવરંગ સિલેકશન નામની દુકાન બહાર આવેલ ગેરકાયદેસર લોખંડની સીડી તથા ગ્રીલ હટાવવા પહોંચ્યા હતાં. આ દરમિયાન નવરંગ સિલેકશનના ભરત જેસીંગાણી દ્વારા પોતાની દુકાન ઉપર ફીનાઈલ પી જઇ જામ્યુકોના અધિકારી તથા તેમની ટીમને ગેરકાયદેસર લોખંડની સીડી તથા ગ્રીલ તોડવા ન દઈ ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવના પગલે આ વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. 108 ને જાણ કરાતા 108 ની ટીમ દોડી જઈ ગઇ હતી અને ફીનાઈલ પીનાર વેપારીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઇ જામ્યુકોના નિતીન દિક્ષીત દ્વારા સીટી એ ડીવીઝનમાં ભરત લક્ષ્મણદાસ જેસીંગાણી વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.