એકતરફ દેશના વડાપ્રધાન સતત ઇંધણ બચાવવા, પ્રદૂષણ ઘટાડવા અને જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે દેશવાસીઓને અપીલ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ જામનગરમાં કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આધુનિક ઈ-બસો મહાનગરપાલિકાની બેદરકારી અને વહીવટી ઢીલાશના કારણે છેલ્લા ત્રણ મહિનાથી ડેપોમાં ધૂળ ખાઈ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે ઉભી કરાયેલી વ્યવસ્થા છતાં બસો રસ્તા પર ન ઉતરતા પ્રજાજનો માટે આ પ્રોજેક્ટ જલ્દી અમલમાં આવે તે માટે “ખબર ગુજરાત” દ્વારા પદાધિકારીઓને ધ્યાને મૂકવામાં આવ્યું છે.
પર્યાવરણને અનુકૂળ અને ઈંધણ બચત કરતી જાહેર પરિવહન વ્યવસ્થા અમલમાં મૂકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર મહાનગરપાલિકામાં આ વખતની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ આપીને 64 પૈકીની 60 બેઠકો ઉપર ભાજપને જિત અપાવી છે. આવી પરિસ્થિતિમાં હવે વિપક્ષમાં માત્ર બે મહિલા અને બે પુરૂષ એમ ચાર કોર્પોરેટરો રહ્યાં છે ત્યારે જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા થતી અવગણના અને ભૂલો તેમજ કોઇપણ પ્રોજેક્ટમાં ક્ષતિ રહેતી હોય તો તે મહાપાલિકા તંત્રને ધ્યાને મૂકવા માટે મિડિયાની જવાબદારી અનેકગણી વધી જાય છે. તેમાં પણ “ખબર ગુજરાત” પ્રજાની સાથે અને સરકારી તંત્રને પ્રજાજોગ અથવા પ્રજાલક્ષી કાર્યો માટે હંમેશા બિરદાવવાની સાથે સાથે કોઇપણ કાર્યમાં ક્ષતિ કૈ ભૂલો થતી હોય તે અંગે પણ તંત્રનું ધ્યાન દોરી પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવે તેવો અખબારી ધર્મ નિષ્ઠાપૂર્વક નિભાવે છે.
![]()
હાલની પરિસ્થિતિમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો જરૂરિયાત પૂરતો જથ્થો ન મળતાં વડાપ્રધાન દ્વારા ઇંધણ બચાવવાની અપીલ કરવામાં આવી હતી. જેની શરૂઆત વડાપ્રધાને જ કરી હતી. આ અપીલ સંદર્ભે જામનગરના ડીડીઓ નિશા દ્વારા સપ્તાહમાં એક વખત વાહનના બદલે સાયકલનો ઉપયોગ શરૂ કરાયાની પહેલથી શહેરીજનો અને મહાનગરપાલિકા તથા અન્ય વહીવટી તંત્રો માટે એક અનુકરણીય પગલું બની ગયું છે. હાલમાં જ નિમણૂંક પામેલા કમિશનર દીપેશ કેડિયા આગામી સમયમાં જામનગરને ફાળવવામાં આવેલી 50 ઇ-બસો પૈકીની 25 બસો માર્ચ મહિનામાં જામનગર પહોંચી ગઇ છે અને હવે શહેરના જુદા જુદા 11 રૂટ ઉપર દોડાવવાની યોજના નજીકના ભવિષ્યમાં જ શહેરના મુખ્ય માર્ગો પર દોડતી થાય તેવું આયોજન જરૂરી બની ગયું છે.
View this post on Instagram
કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણને અનુકૂળ અને ઇંધણ બચત કરતી જાહેર પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાને કુલ 50 ઈ-બસ ફાળવવામાં આવી છે. તે પૈકી પ્રથમ તબક્કામાં 25 જેટલી બસો પાંચ માર્ચના રોજ જામનગર પહોંચી ગઈ હતી. આ બસો શહેરના 11 અલગ-અલગ રૂટ પર દોડાવવાની યોજના છે, પરંતુ બસો આવ્યા બાદ ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં એકપણ બસ નિયમિત સેવામાં જોવા મળી નથી.
આ બસોના સંચાલન માટે હાપા માર્કેટિંગ યાર્ડ નજીક અંદાજે 15.90 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સીટી બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. ડેપોમાં એડમિન બિલ્ડિંગ, વર્કશોપ, બસ વોશિંગ યાર્ડ, HT-LT રૂમ, ETM રૂમ, 50 બસો પાર્ક થઈ શકે તેવી વિશાળ જગ્યા અને આધુનિક ચાર્જિંગ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. કુલ 12 ચાર્જર પોઈન્ટની વ્યવસ્થા છે, જેમાંથી હાલમાં 8 કાર્યરત હોવાનું જાણવા મળે છે. એક સમયે 16 જેટલી બસ ચાર્જ થઈ શકે તેવી ક્ષમતા ધરાવતા આ ડેપોમાં તમામ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં બસો રસ્તા પર કેમ નથી તે સૌથી મોટો પ્રશ્ર્ન છે.
આ સમગ્ર પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારના સ્તરે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ઇખઘ ઈજ્ઞિં કંપનીને સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. બસો ચલાવવાથી લઈને ડ્રાઈવર, કંડકટર, ટેકનિકલ સ્ટાફની નિમણૂક અને મેન્ટેનન્સ સુધીની જવાબદારી કંપનીની છે. સમગ્ર કામગીરી જામનગર જનમાર્ગ ફાઉન્ડેશનના સંકલનમાં હાથ ધરવામાં આવનાર છે અને તેના ચેરમેન તરીકે મહાનગરપાલિકાના કમિશનર રહેશે.
શરૂઆતમાં મહાનગરપાલિકાની ચૂંટણી અને આચારસંહિતાને કારણે બસો શરૂ કરવામાં વિલંબ થયો હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બસો ડેપોમાં જ ઉભી રહેતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં ચર્ચા એ છે કે, આખરે વિલંબ માટે જવાબદાર કોણ છે? કોન્ટ્રાક્ટર કંપની પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઈ છે કે પછી મહાનગરપાલિકા તંત્ર સમગ્ર મામલે ઉદાસીન વલણ અપનાવી રહ્યું છે?
જે બસો શહેરમાં ડીઝલ અને પેટ્રોલના વપરાશમાં ઘટાડો લાવી શકે છે, પ્રદૂષણ ઓછું કરી શકે છે અને હજારો મુસાફરોને સસ્તી તથા સુવિધાજનક મુસાફરી આપી શકે છે. તે બસો આજે પોતે જ ધૂળની ચાદર ઓઢીને ડેપોમાં ઉભી છે. એક તરફ દેશ ઇલેક્ટ્રિક પરિવહન તરફ આગળ વધી રહ્યો છે અને સરકારો ગ્રીન એનર્જી તથા કાર્બન ઉત્સર્જન ઘટાડવાના દાવા કરી રહી છે, ત્યારે જામનગરમાં કરોડો રૂપિયાની ઈ-બસ સેવા માત્ર ફોટા અને ફાઈલોમાં જ સીમિત રહી ગઈ છે.


