Saturday, June 27, 2026
Homeરાજ્યજામનગરકામદાર કોલોનીમાં રહેવાસીઓને ફસાવી કોન્ટ્રાક્ટર ગાયબ...!

કામદાર કોલોનીમાં રહેવાસીઓને ફસાવી કોન્ટ્રાક્ટર ગાયબ…!

લોકોની સુવિધા નહીં, કોન્ટ્રાક્ટરની મુન્સફી પ્રમાણે થઇ રહ્યું છે સિમેન્ટ રોડનું કામ

જામનગરની કામદાર કોલોનીમાં સિમેન્ટ રોડના કામ માટે એકસાથે બબ્બે શેરીઓ ખોદીને છેલ્લા પાંચ દિવસથી કોન્ટ્રાક્ટર ગાયબ થઇ જતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કોન્ટ્રાક્ટરની કામ કરવાની પદ્ધતિ અને ઢીલી નીતિને કારણે હાલાકી ભોગવી રહેલા રહેવાસીઓમાં રોષની લાગણી પ્રસરી છે. આ અંગે કોન્ટ્રાક્ટર અને આ વિસ્તારના કોર્પોરેટરનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં છેલ્લા પાંચ દિવસથી અહીં ખોદાયેલા રોડને કારણે રહેવાસીઓ માટે અવરજવરની વિકટ સમસ્યા નિર્માણ પામી છે.

- Advertisement -

કામદાર કોલોની શેરી નંબર આઠમાં જૂના સિમેન્ટ રોડને તોડીને તેની જગ્યાએ નવો સિમેન્ટ રોડ બનાવવાનું કામ જામ્યુકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગીચ અને સાંકડા વિસ્તારમાં લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે તે માટે કામ ઝડપભેર પૂર્ણ થાય તે જરૂરી છે. પરંતુ લોકોની સુવિધાને ધ્યાનમાં લેવાને બદલે કોન્ટ્રાક્ટરની અનુકુળતા અને મુન્સફી પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાઇ રહ્યું છે. જ્યારે આ કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે અહીં રહેતાં એક જાગૃત નાગરિક દ્વારા આ વિસ્તારના લોકોને ઓછી હાલાકી પડે તે માટે પહેલાં એક શેરીનું કામ પૂર્ણ કરીને પછી બીજી શેરીનું કામ શરૂ કરવા જણાવાયું હતું. પરંતુ કોન્ટ્રાક્ટરે રહેવાસીઓની લાગણીઓ અને સુવિધાઓને અવગણીને પોતાની મુન્સફી પ્રમાણે એકસાથે આડી અને ઉભી બન્ને શેરી ખોદી નાખતા અહીં અવરજવરમાં ભારે મુશ્કેલી ઉભી થવા પામી છે. ખોદાયેલા રસ્તાને કારણે બુજુર્ગો, બિમાર અને અશક્ત લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ઇમરજન્સીમાં અવરજવર પણ દુભર બની છે.

- Advertisement -

સામાન્ય રીતે લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરે કામ કરવાનું હોય છે અને જામ્યુકોના અધિકારીઓએ તેનું મોનિટરીંગ કરવાનું હોય છે. પરંતુ અહીં કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મુન્સફી પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે. જેસીબી ભાડે રાખવાની પોતાની સમસ્યાને કારણે માત્ર એક દિવસમાં એકસાથે બન્ને શેરીઓ આડી અને ઉભી ખોદી નાખવામાં આવી છે. ત્યારબાદ છેલ્લા ચાર દિવસથી આ શેરીઓને જેમની તેમ છોડી દેવામાં આવી છે. હજૂ પણ સિમેન્ટ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. કદાચ સિમેન્ટ અને મિક્સરની વ્યવસ્થા હજૂ કોન્ટ્રાક્ટર નહીં કરી શકયા હોય! મહત્ત્વની વાત તો એ છે કે, શહેરમાં ચાલતા તમામ વિકાસ કામો પર જામ્યુકોના ઇજનેર અને અધિકારીનું સુપરવિઝન હોવું જરૂરી છે. પરંતુ લગભગ સપ્તાહ જેવો સમય થવા આવ્યો હોવા છતાં જામ્યુકોના કોઇ સુપરવાઈઝર કે અધિકારી અહીં ડોકાયા નથી. બધું જ માત્ર કોન્ટ્રાક્ટર ઉપર જ છોડી દેવામાં આવ્યું હોય તેમ જણાઇ રહ્યું છે. રહેવાસીઓનું જે થવાનું હોય તે થાય. આ સમસ્યા અંગે આ વિસ્તારના એટલે કે વોર્ડ નંબર આઠના કોર્પોરેટરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તેમના તરફથી પણ કોઇ કાર્યવાહી થઇ હોય તેવું જણાતું નથી. લોકોને પૂછવાની કે તેમને વિશ્ર્વાસમાં લેવાની કોઇ દરકાર જ લેતું નથી. બધું જ કોન્ટ્રાક્ટરની મુન્સફરી પ્રમાણે થઇ રહ્યું છે. જામ્યુકોના અધિકારીઓની કોઇ ભૂમિકા હોય તેવું જણાતું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular