લાલપુર-પોરબંદર રોડ ઉપરથી મોટરસાયકલમાં પસાર થતાં દંપતિ અને પુત્રીને આડે રોઝડું આવતાં મોટરસાયકલ સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઅ પહોંચતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. જ્યારે તેના પત્ની અને પુત્રીને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવારઅર્થે ખસેડાયા હતા. પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુરના દ્વારકાધીશ સોસાયટી, નાંદુરી રોડ ઉપર રહેતાં ચંદુભાઇ મારખીભાઇ કારેણા (ઉ.વ.36) નામના યુવાન તેમના પત્ની હંસાબેન અને પુત્રી મયૂરીબેન સાથે ગત્ તા. 19ના રોજ પોતાનું જીજે10 ડીએચ 5312 નંબરનું મોટરસાયકલ લઇને ગોવાણાથી લાલપુર પોતાના ઘરે જતા હતા. આ દરમ્યાન ગોવાણા ચેકપોસ્ટથી આગળ કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિરના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે અચાનક રોડ ઉપર રોઝડું મોટરસાયકલ સાથે અથડાયું હતું. અચાનક આવી ચઢેલા રોઝડાની ટક્કરથી મોટરસાયકલ સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં બાઇકચાલક ચંદુભાઇ કારેણાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.
આ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અકસ્માતમાં મૃતકના પત્ની તથા પુત્રીને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે મૃતકના પત્ની હંસાબેન કારેણા દ્વારકા પોલીસને જાણ કરાતા લાલપુર હે.કો. બી. કે. બેરા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમઅર્થે ખસેડયો હતો.


