દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે સાંજથી મહદ અંશે મેઘરાજાએ બ્રેક રાખી હતી. આ વચ્ચે ભાણવડ તાલુકામાં સવા ઈંચ, કલ્યાણપુરમાં 1 સહિત સાર્વત્રિક વિસ્તારોમાં ભારે તેમજ હળવા ઝાપટા વરસ્યા હતા.
રવિવારે સવારથી ભાણવડ તાલુકામાં ધીમી ધારે એક ઈંચ (25 મી.મી.) તેમજ આજે સવારે વધુ 6 મી.મી. મળી કુલ 31 મી.મી., કલ્યાણપુરમાં સવાર સુધીમાં 25 મી.મી. તથા ખંભાળિયામાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે. ત્યારે દ્વારકામાં મેઘરાજાએ મહદ્ અંશે વિરામ રાખતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. જિલ્લામાં કુલ વરસાદ ખંભાળિયામાં 964, દ્વારકામાં 983, કલ્યાણપુરમાં 912 અને ભાણવડમાં 517 મી.મી. નોંધાયો છે.
દ્વારકામાં તાજેતરના અતિ ભારે વરસાદના પગલે દ્વારકા નગરપાલિકા તથા પોલીસ તંત્ર દ્વારા આવળપરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા નવ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. દ્વારકામાં ભરાયેલા કેડસમા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા વિવિધ પ્રકારના મશીનો વડે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.