જામનગરના ગુલાબનગર વિસ્તારમાં અખાડા ચોક ખાતે રહેતા આરીફભાઈ ફકીરમામદભાઈ સમા નામના 26 વર્ષના યુવાન રવિવારે સાંજના સમયે તેમના જી.જે. છે 10 ટીવી 4480 નંબરના રિક્ષામાં બેસીને જામનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે 6 કિલોમીટર દૂર ધરમપુર ટોલનાકા પાસે પહોંચતા અહીં ટોલ માટે રહેલી લાઈનમાં ઉભેલા આરીફભાઈને ટોકનાકાના સ્ટાફે તેની લાઈન બદલી અને બીજી લાઈનમાં જવા માટે કહ્યું હતું. જેથી તેઓના જણાવ્યા મુજબ વાહનની લાઈનમાં ગયા હતા.

અહીં ગોહિલ અટક ધરાવતા એક હોમગાર્ડના જવાને આરીફભાઈને આવીને કહેલ કે આ લાઈન નહીં બીજી લાઈનમાં જવાનું છે. આ પછી કોઈ બાબતે ઉશ્કેરાઈ ગયેલા ગોહિલ નામના હોમગાર્ડના જવાને અન્ય એક એવા રામ ગઢવી નામના શખ્સને તેની પાસે બોલાવ્યો હતો. આ બંને શખ્સોએ ફરિયાદી આરીફભાઈને પકડી બિભત્સ ગાળો કાઢી, ટોલનાકાની ઓફિસમાં લઈ ગયા હતા. જ્યાં બંને શખ્સોએ તેમને ધોકા વડે માર મારી, કપડાં ફાડી નાખ્યા હતા.
આટલું જ નહીં, આરોપીઓએ આરીફભાઈને જો તે અહીં ફરીથી આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ઇજાગ્રસ્ત આરીફભાઈ સમાને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ સંદર્ભે ખંભાળિયા પોલીસે હોમગાર્ડના જવાન ગોહિલભાઈ તેમજ રામ ગઢવી નામના બંને શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એકટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.