યુરોપમાં વીજસંકટ ગંભીર થઇ ગયું છે, જેના પગલે ઇલેક્ટ્રિક ટ્રેન દ્વારા માલ પરિવહનથી માંડીને ગ્રીનહાઉસમાં શાકભાજી ઉગાડવા સહિત ઘણી બાબતોને અસર થઇ છે. તાજેતરમાં સરકારે ઝડપથી વધતા જતા ગેસ અને વીજળીના દર કાબૂમાં લેવા તરફ ધ્યાન આપ્યું તો આ ચર્ચામાં આવ્યું. વીજસંકટની અસર માત્ર માલ પરિવહન કે ખાદ્યાન્ન ઉત્પાદન પર જ નથી થઇ. અખબારી કાગળથી માંડીને મેટલ પ્રોડક્શન અવરોધાતાં મકાનોના બાંધકામનો ખર્ચ પણ વધી રહ્યો છે. ભારત અને ચીન પણ વીજળીની અછતનો સામનો કરી રહ્યા છે. તેના કારણે આ દેશોમાં ઘણા સ્થળે બ્લેકઆઉટની સ્થિતિ પણ છે. આ જ કારણથી આગામી શિયાળાની માગને ધ્યાનમાં રાખીને એશિયાથી માંડીને યુરોપ સુધી કોલસાના વધુ ખનન અને સંગ્રહના ઉપાય કરવામાં આવી રહ્યા છે.
અર્થતંત્રોને ચાલુ રાખવા માટે યુરોપની સરકારો અને ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવતા સાધનો તરફ વળી રહ્યા છે. વીજળી મોંઘી થતાં ઇલેક્ટ્રિક રેલ અને તેનાથી સંચાલિત અન્ય સાધનો પર સીધી અસર થઇ રહી છે. બ્રિટનમાં માલ પરિવહન કંપની ફ્રેટલાઇનરે ડીઝલથી ચાલતા વાહનો ફરી રસ્તા પર ઉતારવા પડ્યા છે. ઉદ્યોગો ખર્ચ ઘટાડવા ઇંધણમાં કેવા ફેરફાર કરી રહ્યા છે તેનું આ એક તાજું ઉદાહરણ છે. અખબારી કાગળ બનાવતી બ્રિટનની ટોચની કંપની પામ પેપર લિ. આ શિયાળામાં ઉત્પાદન ઘટાડવા વિચારી રહી છે, કેમ કે તે પૂરતો ગેસ ખરીદી શકે તેમ નથી અને ગેસ વિના પ્લાન્ટ ચાલવા મુશ્કેલ છે.
સ્વીડિશ પેપર મિલ ક્લીપન્સ બ્રુક એબી પણ આવી જ મુશ્કેલીનો સામનો કરી રહી છે, જેથી તેના પ્લાન્ટના સંચાલનને પણ અસર થઇ રહી છે. તે અંદાજે ત્રીજા ભાગના કર્મચારીઓ ઘટાડી રહી છે. ફર્ટિલાઇઝર પ્લાન્ટ બંધ થઇ શકે છે, ખાદ્યાન્ન સંકટનું જોખમ: ગેસ મોંઘો થતાં ચેતવણી અપાઇ રહી છે કે ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સ લાંબા સમય માટે બંધ થઇ શકે છે. તેના કારણે ભવિષ્યમાં અનાજના સપ્લાયનું સંકટ ઊભું થઇ શકે છે, કેમ કે નેધરલેન્ડમાં ગ્રીનહાઉસને ગરમ રાખવો આમ પણ બહુ મોંઘું છે. ગેસ મોંઘો હોવાથી ઉત્પાદન પર અસર પડશે અને ખાદ્ય નિકાસ વધશે. ટામેટાં, કાકડી અને ફૂલોનો સપ્લાય ઘટવાની આશંકા વધી છે.
યુરોપની સૌથી મોટી કેમિકલ કંપનીઓમાં સામેલ બીએએસએફે એમોનિયાનું ઉત્પાદન ઘટાડી દીધું છે. એમોનિયા નાઇટ્રોજન ખાતરોનું મુખ્ય ઘટક છે. તેની અછતથી ઓટોમોટિવ, કાપડ, હેલ્થકેર અને બ્યુટી પ્રોડક્ટ્સ જેવા ઉદ્યોગો પર અસર થશે. સીઆરયુએ તાજેતરમાં કહ્યું હતું કે યુરોપમાં એમોનિયાનું ઉત્પાદન અડધું થઇ ગયું છે.
વીજસંકટના પગલે મેટલ ઇન્ડસ્ટ્રી હતાશ છે. ઝિંક ઉત્પાદક દિગ્ગજ કંપની નીરસ્ટાર અને ગ્લેનકોર પીએલસીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ વધતા ખર્ચને કારણે યુરોપના કેટલાક પ્લાન્ટમાં ઉત્પાદન અડધું કરી રહી છે. આ પ્લાન્ટ્સ કાટ ન લાગે તેવી ધાતુઓ બનાવે છે. આ કારણથી ધાતુઓના ભાવનો ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. બીજી તરફ યુરોપની સ્ટીલ કિંગ આર્સેલર મિત્તલ જેમનું ઉત્પાદન અવરોધાયું છે તેવી કંપનીઓમાં સામેલ છે. જોકે, પૂરતો સંગ્રહ હોવાથી હાલના તબક્કે સપ્લાય પર અસર નથી થઇ.